અર્થતંત્ર
પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારત જાપાનને પાછળ રાખીને વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને 2030 સુધીમાં જર્મનીને પાછળ રાખી ત્રીજા ક્રમનું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 2025માં ભારતના અર્થતંત્રનું કુલ કદ 4.18 ટ્રિલિયન ડોલર રહ્યું છે, એવો સરકારે બુધવારે આર્થિક સમીક્ષાને આધારે દાવો કર્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 8.2 ટકા જેટલો ઊંચો રહ્યો હતો, જે ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 7.4 ટકા અને પ્રથમ ક્વાર્ટરમાં 7.8 રહ્યો હતો.
2025માં કરાયેલા આર્થિક સુધારાની વિગતો આપતા સરકારે જણાવ્યું હતું કે 4.18 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર સાથે જાપાનને પાછળ રાખી ભારત વિશ્વના ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ભારતે આગામી અઢીથી ત્રણ વર્ષમાં જર્મનીને પાછળ રાખીને વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવા માટે સજ્જ છે. 2030 સુધીમાં ભારતના અર્થતંત્રનું કદ વધી 7.3 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે 2025-26ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર છ ક્વાર્ટરમાં સૌથી ઊંચા રહ્યો હતો અને આ ગ્રોથ મોમેન્ટમ આશ્ચર્યચકિત કરનારું હતું. અમેરિકાની ઊંચી ટેરિફને પગલે વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા હોવા છતાં ભારત તમામ અવરોધને પાર કરીને ઊંચી વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. મજબૂત ખાનગી વપરાશની આગેવાની હેઠળના ઘરેલુ આર્થિક પરિબળો જીડીપી વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
વર્લ્ડ બેન્ક સહિતની આંતરરાષ્ટ્રીય એજન્સીઓના જીડીપી વૃદ્ધિના અંદાજને ટાંકીને સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ આ આશાવાદનો પડઘો પાડ્યો છે. વર્લ્ડ બેન્કે 2026માં ભારતની આર્થિક વૃદ્ધિ 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. મૂડીએ અંદાજ અંદાજ વ્યક્ત કર્યો છે કે 2026માં 6.4 ટકા અને 2027માં 6.5 ટકા આર્થિક વૃદ્ધિ સાથે ભારત જી-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો દરજ્જો જાળવી રાખશે. આઇએમએફએ 2025 માટે વૃદ્ધિના અંદાજને વધારી 6.6 ટકા અને 20226માં 2.2 ટકા કર્યો છે. OECDએ 2025માં 6.7 ટકા અને 2026માં 6.2 ટકા વૃદ્ધિની આગાહી કરી છે.
એસ એન્ડ પીને પણ ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા અને આગામી વર્ષમાં 6.7 ટકા વૃદ્ધિનો અંદાજ છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે 2025 માટે જીડીપી વૃદ્ધિના અંદાજને વધારી 7.2 ટકા તથા ફિચે 2025-26ના વર્ષ માટે તેના અંદાજને 7.4 ટકા કર્યો છે.

LEAVE A REPLY