(PTI Photo/Shailendra Bhojak)

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી કોહલીની કારકિર્દી ઉપર નજર કરીએ તો તેમાં ખેલાડી તેમજ સુકાની તરીકે એવી સિદ્ધિઓ ધરાવે છે, જે અન્ય કોઈ ભારતીયના નામે આજ સુધી નોંઘાઈ નથી.

કોહલીએ 123 ટેસ્ટમાં 9,230 રન કર્યા છે. ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે 2014થી 2022 સુધી 68 ટેસ્ટમાં સુકાનીપદ સંભાળ્યું હતું અને તેમાંથી 40માં વિજય ધ્વજ લહેરાવ્યો હતો, તો 17 મેચ ડ્રો રહી હતી. કોહલી સિવાય અન્ય કોઈ ભારતીય કેપ્ટન 30 ટેસ્ટ વિજય સુધી પહોંચી શક્યો નથી. બીજા નંબરે રહેલા એમએસ ધોનીના આંકડા 60 ટેસ્ટમાંથી 27માં વિજયના છે.

કોહલીના નામે ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ – 20 ટેસ્ટ સદીનો રેકોર્ડ છે. તેના નામે સુકાની તરીકે સૌથી વધુ રનનો રેકોર્ડ પણ છે. 2019માં તેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં અણનમ 259 રન કર્યા હતા.
ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ 68 ટેસ્ટમાં 54.80ની એવરેજથી 5,864 રન કોહલીએ કર્યા છે. અહીં પણ 60 ટેસ્ટમાં 3,454 રન સાથે ધોની બીજા ક્રમે આવે છે.

કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પણ છે. તેણે કારકિર્દીમાં 7 બેવડી સદી ફટકારી હતી. ઓવરઓલ લિસ્ટમાં તે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. જો કે, ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ – છ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પણ તેના નામે છે.

કોહલી કેપ્ટન તરીકે સતત સૌથી વધુ – 9 ટેસ્ટ સીરિઝ ભારત માટે જીતી લાવ્યો છે.
વિરાટ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી કરનારો ભારતીય ખેલાડી છે. ત્યાં તેના નામે 7 સદી બોલે છે. ઓસ્ટ્રેલિયામાં કોહલીનો એક વધુ વિશિષ્ટ રેકોર્ડ છે ટેસ્ટ સીરિઝમાં વિજેતા પ્રથમ એશિયન કેપ્ટનનો. 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ચાર મેચની સીરિઝમાં 2-1થી વિજય સાથે વિરાટે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

 

LEAVE A REPLY