
પહેલગામમાં થયેલા “ભયાનક આતંકવાદી હુમલા” બાદ પ્રદેશમાં વધી રહેલા તણાવના સમયે યુકે સરકારે ભારત અને પાકિસ્તાનને શાંતિ અને વાતચીત માટે હાકલ કરી છે.
તા. 29ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટિશ શીખ લેબર સાંસદ ગુરિન્દર સિંહ જોસન દ્વારા ગુનેગારોને ન્યાય અપાવવામાં ભારતને ટેકો આપવા માટે બ્રિટનની ભૂમિકા અંગે રજૂ કરાયેલા “તાત્કાલિક પ્રશ્ન”નો ફોરેન ઓફિસ મિનિસ્ટર હેમિશ ફૉકનરે જવાબ આપ્યો હતો.
ફૉકનરે કહ્યું હતું કે “પહેલગામમાં થયેલો ભયાનક આતંકવાદી હુમલો વિનાશક હતો. અમે તમામ પક્ષો અને સમુદાયના નેતાઓને આ પ્રદેશમાં તણાવના સમયે શાંત રહેવા માટે હાકલ કરીએ છીએ. અમે ગુનેગારોને યોગ્ય રીતે ન્યાય મળે તે જોવા માંગીએ છીએ અને અમે ભારતને આમ કરવા માટે સમર્થન આપીશું. પાકિસ્તાની અધિકારીના ગળુ કાપવાના ઇશારા અંગે મેટ્રોપોલિટન પોલીસ તપાસ કરી રહી છે, જે સ્પષ્ટપણે ચિંતાજનક છે. અમે વિયેના કન્વેન્શન હેઠળ તમામ દૂતાવાસો અને હાઇ કમિશનની સુરક્ષા માટે અમારી જવાબદારીને ગંભીરતાથી લઈએ છીએ અને બન્ને દેશોના હાઇ કમિશનને ટેકો મળશે.’’
શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલ અને સાંસદોએ સરકાર પર યુકેના સમુદાયોમાં તણાવ વધતો અટકાવવા માટે પગલાં લેવા દબાણ કર્યું હતું. ઘણા ક્રોસ-પાર્ટી સાંસદોએ પણ હુમલાની ભારે નિંદા કરી હતી.
