Seasonal Influenza H3N2 kills two in India

ભારતમાં સીઝનલ ઈન્ફલ્યુએન્ઝા H3N2ને કારણે પ્રથમ બે મોત થયા છે. કર્ણાટક અને હરિયાણમાં એક-એક દર્દીના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોરોનાની જેમ ફેલાઈ રહેલા H3N2 ઈન્ફ્લ્યુએન્ઝા પર ચાંપતી નજર રાખી રહી છે અને માર્ચના અંત પછીથી તેના કેસોમાં ઘટાડો થવાની ધારણા છે.

આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ડેટા મુજબ 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં દેશમાં H3N2ના 451 કેસ નોંધાયા છે.ચાલુ વર્ષના પ્રારંભથી ઇન્ફ્લુએન્ઝા માટેના પોઝિટિવ સેમ્પલ ટેસ્ટિંગમાં મોટાભાગના કેસો ઈન્ફલ્યુએન્ઝા H3N2ના છે. મંત્રાલયના નિવેદન અનુસાર આરોગ્ય મંત્રાલય સીઝનલ ઈન્ફલ્યુએન્ઝાના H3N2 સબટાઈપને કારણે ઊભી થતી બિમારી અને મૃત્યુદર પર પણ નજર રાખી રહ્યું છે. નાના બાળકો અને વિવિધ બિમારીઓ સાથેના વૃદ્ધો ઈન્ફલ્યુએન્ઝાનો ચેપ લાગવાની વધુ શક્યતા રહે છે. અત્યાર સુધીમાં કર્ણાટક અને હરિયાણાએ H3N2 ઈન્ફલ્યુએન્ઝાથી એક-એક મૃત્યુની પુષ્ટિ કરી છે.

મંત્રાલય રીઅલ-ટાઇમ ધોરણે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્ક દ્વારા તમામ રાજ્યોમાં કેસોનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરી રહ્યું છે.

કર્ણાટકમાં 82 વર્ષીય હીરે ગૌડાનું 1 માર્ચે H3N2 વાયરસને કારણે મૃત્યુ થયું હતું. હાસન ડિસ્ટ્રિકટ હેલ્થ ઓફિસર (DHO)એ જણાવ્યું હતું કે ગૌડા ડાયાબિટીસના દર્દી હતા અને હાઈપરટેન્શનથી પણ પીડાતા હતા. દર્દીને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તે 1 માર્ચે મોત થયું હતું. તેમના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા અને 6 માર્ચે રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હરિયાણામાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ફેફસાના કેન્સરના દર્દીનું તાજેતરમાં મોત થયું હતું. 56 વર્ષના આ વ્યક્તિનો H3N2 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જિંદ જિલ્લાના રહેવાસી આ દર્દીનો રીપોર્ટ 8 જાન્યુઆરીએ આવ્યો હતો અને ઘેરથી તેમનું મોત થયું હતું.

IDSP-IHIP (ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ) પર ઉપલબ્ધ ડેટા અનુસાર રાજ્યોએ નવ માર્ચ સુધી H3N2 સહિત વિવિધ પેટા પ્રકારના ઈન્ફલ્યુએન્ઝાના 3,038 કન્ફર્મ કેસ મળ્યા છે. જાન્યુઆરીમાં 1,245 કેસ, ફેબ્રુઆરીમાં 1,307 કેસ અને 9 માર્ચ સુધીમાં 486 કેસ નોંધાયા હતા.

વધુમાં વિવિધ હોસ્પિટલોના ડેટાને આધારે IDSP-IHIP ડેટા સૂચવે છે કે જાન્યુઆરી દરમિયાન દેશમાં તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારી અથવા ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ARI/ILI)ના 3,97,814 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરી દરમિયાન થોડા વધીને 4,36,523 થઈ ગયા હતા. માર્ચના પ્રથમ નવ દિવસોમાં આ સંખ્યા 1,33,412 કેસ છે. ગંભીર શ્વાસોચ્છવાસની બિમારી (SARI)ના હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા જાન્યુઆરીમાં 7,041, ફેબ્રુઆરીમાં 6,919 અને માર્ચના પ્રથમ નવ દિવસોમાં 1,866 હતી.

LEAVE A REPLY

16 + 18 =