ભારતમાં 26 જાન્યુઆરીના રોજ 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાફેલ વિમાનથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરીને દેશની રક્ષાશક્તિની ઝલક વિશ્વને બતાવવામાં આવી હતી. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ દર્શાવતી ઝાંખીઓ પણ રાજપથ પરેડ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાથે જ સેનાની ત્રણેય પાંખના જવાનોએ પણ પોતાના કરતબો દર્શાવીને પર્વની ઉજવણીને વધુ શાનદાર બનાવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાને સલામી આપીને રાષ્ટ્ર વંદના કરી હતી. આ પ્રસંગે જવાનોનું શૌર્ય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.
આ વર્ષે ધુમ્મસને કારણે રાજપથ પર પરેડ અને ફ્લાયપાસ્ટ ડેમોસ્ટ્રેશન અડધો કલાક મોડું એટલે કે સવારે 10.30 વાગ્યે શરૂ થયું હતું. દર વર્ષે આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થતો હતો. એ જ રીતે, કોરોના રોગચાળાને કારણે ગયા વખતની જેમ આ વર્ષે પણ કોઈ વિદેશી મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું નથી. વિવિધ રાજ્યોમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.