પ્રખ્યાત NRI ઉદ્યોગપતિ અને પરોપકારી કાર્ય માટે જાણીતા લોર્ડ સ્વરાજ પોલનું લંડનમાં ગુરુવારની સાંજે અવસાન થયું હતું. તેઓ 94 વર્ષના હતાં. યુકેના આશરે એક અબજ ડોલરના કેપારો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક લોર્ડ પોલ બીમાર હતાં અને તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં.
તેઓ ભારત-બ્રિટિશ સંબંધોને મજબૂત બનાવવાના તેમના પ્રયાસો તથા શિક્ષણ અને આરોગ્યસંભાળમાં તેમના પરોપકારી કાર્ય માટે જાણીતાં હતાં. લંડન પ્રાણી સંગ્રહાલય બંધ થવાના સમયે તેને બચાવવામાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. લોર્ડ પોલ બ્રિટનના સૌથી ધનિક એશિયનોમાંના એક બન્યાં હતાં અને દાયકાઓ સુધી વ્યવસાય, રાજકારણ અને પરોપકારમાં એક અગ્રણી વ્યક્તિ રહ્યાં હતાં.
લોર્ડ સ્વરાજ પોલના નિધન પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે લોર્ડ સ્વરાજ પોલના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. બ્રિટનમાં ઉદ્યોગ અને જાહેર સેવાના વિકાસમાં તેમનું યોગદાન તથા ભારતના યુકે સાથેના ગાઢ સંબંધો માટે તેમનો અતૂટ ટેકો હંમેશા યાદ રહેશે. મેં તેમની સાથે ઘણી મુલાકાતો કરી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના, ઓમ શાંતિ.
બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના વર્તમાન સભ્ય સ્વરાજ પોલનો જન્મ 18 ફેબ્રુઆરી 1931નો રોજ ભારતના પંજાબ રાજ્યના જલંધરમાં થયો હતો. તેઓ 1960ના દાયકામાં તેમની નાની પુત્રી અંબિકાના કેન્સરની સારવાર માટે યુકે ગયા હતા. પરંતુ તેમની પુત્રીનું ચાર વર્ષની ઉંમરે અવસાન થયા પછી, તેમણે અંબિકા પોલ ફાઉન્ડેશનની સ્થાપના એક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરી હતી, જેણે શિક્ષણ અને આરોગ્ય પહેલ દ્વારા વિશ્વભરના બાળકો અને યુવાનોના સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કરોડોનું દાન આપ્યું હતં.
તેમનું નામ નિયમિતપણે વાર્ષિક ‘સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ’માં સામેલ હતું. આ વર્ષે તેઓ 2 અબજ પાઉન્ડની અંદાજિત સંપત્તિ સાથે 81મા ક્રમે હતા.
તેમની કંપની કેપારો યુકેનું મુખ્ય મથક લંડનમાં છે. કંપની 40થી વધુ સ્થળોએથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, જે ઉત્તર અમેરિકા, ભારત અને મધ્ય પૂર્વમાં કાર્યરત છે. તેમનો પુત્ર, આકાશ પોલ, કેપારો ઇન્ડિયાના ચેરમેન અને કેપારો ગ્રુપના ડિરેક્ટર છે. ગયા વર્ષે વોલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે લોર્ડ પોલે આકાશ પોલને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સેવાઓ બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.
તેમણે જલંધરમાંથી હાઇસ્કૂલનું શિક્ષણ અને ૧૯૪૯માં પંજાબ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક અને માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે યુએસ ગયા હતાં. MIT માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ ભારતના સૌથી જૂના ઔદ્યોગિક ગ્રુપમાના એક, અપીજય સુરેન્દ્ર ગ્રુપમાં જોડાવા માટે ભારત પાછા ફર્યા હતાં.
પરંતુ નસીબની કંઇ અલગ લખાયું હતું. તેઓ ૧૯૬૬માં લ્યુકેમિયાથી પીડિત તેમની પુત્રી અંબિકાની સારવાર માટે યુકે ગયાં હતાં. કમનસીબે ચાર વર્ષની ઉંમરે પુત્રીનું અવસાન થયું હતું.
તેમણે ભારત અને બ્રિટન વચ્ચે સારી સમજણને પ્રોત્સાહન આપવા માટે 1975માં ઇન્ડો-બ્રિટિશ એસોસિએશનની સ્થાપના કરી અને તેના અધ્યક્ષ તરીકે સેવા આપી હતાં. 1978માં તેમને બ્રિટિશ રાણી દ્વારા નાઈટની ઉપાધિ આપવામાં આવી અને તેઓ મેરીલેબોનના લોર્ડ પોલ અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય બન્યા હતાં. ઓક્ટોબર 2009માં તેમણે પ્રિવી કાઉન્સિલર તરીકે શપથ લીધા હતાં. લોર્ડ પોલને ૧૯૮૩માં ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતાં.
ભારતીય ઉદ્યોગ જગતમાં સ્વર્ગસ્થ લોર્ડ પોલને 80ના દાયકાની શરૂઆતમાં એસ્કોર્ટ્સ ગ્રુપ અને ડીસીએમ ગ્રુપ પર કબજો મેળવવાના તેમના હોસ્ટાઇલ પ્રયાસો માટે પણ યાદ કરવામાં આવે છે, જેમાં કાનૂની લડાઈઓ પછી તત્કાલીન સરકારના હસ્તક્ષેપની જરૂર પડી હતી.
