ભારતના વિદેશ મંત્રાલયે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઇપ આર્દોગનની કાશ્મીર મુદ્દે ટિપ્પણીને ફગાવતા તેમને સ્પષ્ટ જણાવી દીધું છે કે ભારતના આંતરિક મામલામાં દખલગીરીના કરે. ભારતે અગાઉ પણ વૈશ્વિક સ્તરે વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દો દ્વીપક્ષીય છે અને કોઈ ત્રીજા પક્ષની મદદની તેમાં જરૂર નથી.

ભારતના વિદેશ મંત્રીલયના પ્રવક્તા રવિશ કુમારે શનિવારે જણાવ્યું હતું કે, તુર્કીના રાષ્ટ્રપતિ આર્દોગને જમ્મુ અને કાશ્મીરને ટાંકીને કરેલા સંબોધનને ભારતે ફગાવ્યું છે. વિદેશ મંત્રાલયના મતે આ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.

શુક્રવારે પાકિસ્તાનની સંસદને સંબોધતા તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીરી લોકોના સંઘર્ષની તુલના તુર્કીના લોકોની લડાઈ સાથે કરી હતી. તુર્કીના લોકોએ પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ વિદેશી આક્રમણ સામે લડાઈ લડવી પડી હતી. ભારતે જમ્મુ અને કાશ્મીર અંગે તુર્કીના રાષ્ટ્રપતિએ કરેલા તમામ સંદર્ભનો છેદ ઉડાડી દીધો છે અને કહ્યું છે કે તે ભારતનો એક ભાગ છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યા મુજબ તેઓ તુર્કીના નેતા સાથે વાત કરશે અને ભારતના આંતરિક મામલે દખલ નહીં કરવા જણાવશે તેમજ મુદ્દાની યોગ્ય માહિતી ધરાવવા પણ કહેશે. પાકિસ્તાન તરફથી ભારત તેમજ તેના આ ક્ષેત્ર પર રહેલા આતંકવાદના જોખમ વિશે પણ તેઓ તુર્કીના રાષ્ટ્રપતિને જણાવશે તેમ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.