નવી દિલ્હીમાં 5 જૂન, 2023ના રોજ દ્વિપક્ષીય બેઠક પહેલાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન (PTI Photo/Kamal Kishore)

ઇન્ડો-પેસિફિક પ્રાંતમાં ચીનની વધી રહેલી આક્રમકતા વચ્ચે ભારત અને અમેરિકાએ સોમવારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ સહયોગ માટે એક રોડમેપ તૈયાર કર્યો હતો, જે મુજબ  ફાસ્ટ-ટ્રેક ટેક્નોલોજી ટાઈ-અપ્સ અને સૈન્ય પ્લેટફોર્મ્સ જેમ કે એર કોમ્બેટ અને લેન્ડ સિસ્ટમ્સનું સહ-ઉત્પાદન કરવામાં આવશે.ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોઈડ ઓસ્ટિન વચ્ચે નવી દિલ્હીમાં આ રોડમેપને અંતિમ સ્વરૂપ અપાયું હતું.

બંને દેશો સંરક્ષણક્ષેત્રે નવી ટેક્નોલોજીના કો-ડેવલપમેન્ટની સાથે સાથે હાલની અને નવી પદ્ધતિના સહઉત્પાદન માટે નવા અવસરોની ઓળખ કરશે. એર કોમ્બેટ અને લેન્ડ સિસ્ટમ્સ જેવા લશ્કરી પ્લેટફોર્મ્સના સહ-ઉત્પાદન અને ટેકનોલોજી જોડાણને ફાસ્ટટ્રેક કરવા સંરક્ષણ ઔદ્યોગિક ઉત્પાદન માટે એક મહત્વાકાંક્ષી રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

ભારતના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ‘બન્ને દેશોના પ્રધાનોએ સંરક્ષણને લગતી ચીજોના પૂરવઠાની વ્યવસ્થાની સલામતી માટે એક માળખા પર ચર્ચા શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં સામસામે પૂરવઠો આપવાની સમજૂતી પણ સામેલ હશે.

દિલ્હીમાં રાજનાથ સિંહ અને લોઈડ ઓસ્ટિને મજૂબત અને બહુમુખી દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ ગતિવિધિની સમીક્ષા કરી હતી અને બન્ને દેશો વચ્ચે સહયોગ અને જોડાણની ગતિને જાળવી રાખવા પર સંમતિ વ્યક્ત કરી છે. બેઠક પછી રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું છે કે આ ચર્ચા વ્યૂહાત્મક હિતોને સાચવવા અને સુરક્ષા સહયોગ વધારવા સહિત અનેક ક્ષેત્રોમાં સંરક્ષણ સહયોગ વધારવાને લગતી હતી.

અમેરિકાના સંરક્ષણ પ્રધાને કહ્યું કે હાલમાં વિશ્વની સ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે તે જોતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અગત્યના છે. અમે ચીનની આક્રમકતા તો યુક્રેનમાં રશિયાના આક્રમણ જેવી બાબતોને જોઇ રહ્યા છીએ. જેને કારણે સરહદોની સલામતીની સાથે સાથે રાષ્ટ્રીય સાર્વભૌમકતા પણ જોખમાઇ છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને અત્યંત મહત્વનું ગણાવતાં ઓસ્ટિને ઉમેર્યું હતું કે અમેરિકા જે દેશો પર વિશ્વાસ કરે છે તેની સાથે જ આ ટેક્નોલોજી શેર કરે છે.

LEAVE A REPLY

eight + six =