ભારતના આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન (ફાઇલ ફોટો) (Photo by RAVEENDRAN/AFP via Getty Images)

ભારતના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસનું રસીકરણ જાન્યુઆરીમાં ચાલુ થવાની ધારણા છે. સરકાર વેક્સિનની સુરક્ષા અને અસરકારકતાને અગ્રતા આપી રહી છે.

કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે 2020 પૂરૂં થવાને આરે છે. કોરોનાનો સૌથી વિકટ સમય લગભગ પસાર થઇ ચૂક્યો છે. 2021ના જાન્યુઆરીમાં કોરોના સામે રક્ષણ આપતી રસી આપવાનું કામ શરૂ થશે.

એક ઇન્ટરવ્યૂમાં હર્ષવર્ધને કહ્યું હતું કે કે આપણે ખોટી ઉતાવળ કરવી નથી. જે રસી ખરેખર અસરકારક હશે એને જ આપણે લેવાની છે. લોકોને સચોટ અસરકારક રસી આપવાની સરકારની યોજના છે. રસી કેવી રીતે આપવાના છો એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે સરકારે નિષ્ણાતોની એક ટુકડી બનાવી હતી. એમણે વિગતવાર વિચાર કર્યો હતો અને હાલ દુનિયાના દેશોમાં થઇ રહેલા રસીકરણની નોંધ લીધા બાદ નિર્ણય કર્યો હતો. શરૂમાં 30 કરોડ લોકોને રસી અપાશે. એમાં એક કરોડ હેલ્થ વર્કર્સ, બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ (પોલીસ, સફાઇ કર્મચારીઓ, લશ્કરના જવાનો વગેરે) અને ત્યારબાદ પચાસ વર્ષથી વધુ વય ધરાવતા 26 કરોડ લોકોને રસી આપવાની યોજના છે.

દરેકને ફોન દ્વારા જાણ કરવામાં આવશે કે કોરોનાની રસી લેવા માટે અમુક કેન્દ્ર પર આ સમયે પહોંચી જાઓ. તેમણે વધુમાં કહ્યું હતું કે કે છેલ્લા ચારે મહિનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારો જિલ્લા, તાલુકા અને બ્લોકમાં કોને કોને રસી આપવાની છે એની યાદી તૈયાર કરી રહી હતી. તેમણે કહ્યું કે કોઇ વ્યક્તિ રસી લેવાની ના પાડે તો એના પર કોઇ પ્રકારનું દબાણ કરવામાં નહીં આવે.