અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફને કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તંગદિલી ઊભી થઈ છે ત્યારે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે લેશે, એમ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ગુરુવારે જણાવ્યું હતું. તેમણે રશિયાના પુતિન મુલાકાતની તારીખ આપી ન હતી, પરંતુ ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે પુતિન આ વર્ષના અંતમાં ભારત આવે તેવી ધારણા છે.
મોસ્કોની મુલાકાતે ગયેલા ડોભાલે જણાવ્યું હતું કે અમારો એક ખાસ અને લાંબો સંબંધ છે અને અમે આ સંબંધને મહત્વ આપીએ છીએ. અમારી વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ રહી છે અને આ ઉચ્ચ સ્તરીય જોડાણોએ ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પ્રેસિડન્ટ પુતિનની ભારત મુલાકાત વિશે જાણીને અમે ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત છીએ. મને લાગે છે કે તારીખો હવે લગભગ અંતિમ સ્વરૂપ પામી છે.
ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી મજબૂત સંબંધો છે. બંને દેશો સોવિયેત યુગથી દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધો ધરાવે છે વર્ષોથી, બંને રાષ્ટ્રોએ તેમના આર્થિક સહયોગને મજબૂત બનાવ્યો છે, જેમાં દ્વિપક્ષીય વેપાર અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યો છે.
લગભગ ચાર વર્ષ પહેલાં યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી, ભારત રશિયન તેલના સૌથી મોટા આયાતકારોમાંનું એક બની ગયું છે. મે 2023 સુધીમાં, ભારત દરરોજ બે મિલિયન બેરલથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, જે તેની આયાતનો આશરે 45 ટકા હિસ્સો હતો.
ગુરુવારે ક્રેમલિનએ જણાવ્યું હતું કે પુતિન આગામી દિવસોમાં ટ્રમ્પને પણ મળવાના છે. રશિયન પ્રેસિડન્ટના વિદેશ બાબતોના સલાહકાર યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે બંને પક્ષો એક બેઠક ગોઠવવા પર કામ કરી રહ્યા છે, અને બેઠક માટે સ્થળ પર સંમતિ સધાઈ ગઈ છે અને તેની જાહેરાત પછીથી કરવામાં આવશે. આગામી અઠવાડિયે શિખર સંમેલનનું લક્ષ્ય છે, પરંતુ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં સમય લાગે છે અને કોઈ તારીખની પુષ્ટિ નથી. સંભવિત સ્થળની જાહેરાત “થોડી વાર પછી” કરવામાં આવશે. તેમણે યુક્રેનિયન પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકીના સમિટમાં જોડાવાની શક્યતાને નકારી કાઢી હતી.
