ન્યૂયોર્કસ્થિત જોન સિમોન ગુગ્ગેનહેઇમ મેમોરિયલ ફાઉન્ડેશને 7 એપ્રિલે તેની ગુગ્ગેનહેઇમ ફેલોશિપ મેળવનારાઓની યાદી જાહેર કરી છે. આ 180 ‘અપવાદરૂપ વ્યક્તિઓ’નું વૈવિધ્યસભર ગ્રૂપ, જેમાં ઘણા લોકો ભારતીય મૂળના છે. અંદાજે લગભગ 2,500 લોકોમાંથી આ ફેલોશિપ મેળવનારાઓની પસંદગી કરવામાં આવી છે. સંસ્થાની પ્રેસ રીલીઝમાં જણાવ્યા પ્રમાણે આ પ્રતિષ્ઠિત ફેલોશિપનો 97મો ક્લાસ છે.
વર્ષ 2022માં વિવિધ ક્ષેત્રના ભારતીય મૂળના છ લોકોને આ ફેલોશિપ એનાયત થઇ છે. જેમાં પ્રશાંત કે. જૈનનો સમાવેશ થાય છે. મૂળ મુંબઇના જૈન અત્યારે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર છે. તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેઓ અમેરિકામાં ડીફેન્સ સાયન્સ સ્ટડી ગ્રૂપ-આઇડીએ-ડીએઆરપીએના સભ્ય છે.
કમ્યુટર સાયન્સનો અભ્યાસ ધરાવતા શ્રીકાન્ત નારાયણ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં પ્રોફેસર છે. તેમણે ચેન્નાઇની કોલેજ ઓફ એન્જિનિયરીંગ ગીન્ડીમાંથી બેચરલની ડિગ્રી મેળવી છે. તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે અને તેમના નામે 18 પેટન્ટ્સ છે.
ગણિતમાં મંજુલ ભાર્ગવને ફેલોશિપ એનાયત થઇ છે. તેઓ પ્રિન્સટન યુનિવર્સિટીમાં મેથેમેટિક્સના પ્રોફેસર છે. તેઓ આ યુનિવર્સિટીમાં વર્ષ 2003માં જોડાયા હતા. તેમનો જન્મ કેનેડામાં થયો હતો. તેમને વર્ષ 2014માં ગણિતનો નોબેલ એવોર્ડ ગણાતો ફિલ્ડ્ઝ મેડલ પ્રાપ્ત થયો છે અને વર્ષ 2011માં ફર્મેટ પ્રાઇઝ મળ્યું હતું. વર્ષ 2019માં તેમને રોયલ સોસાયટીની ફેલોશિપ પણમળી હતી.
સાયકોલોજીમાં સુપર્ણા રાજારામને ફેલોશિપ પ્રાપ્ત થઇ છે. તેઓ સ્ટોની બ્રૂક યુનિવર્સિટીમાં કોગ્નિટિવ સાયન્સના પ્રોફેસર છે. તેઓ બેંગલુરુની માઉન્ટ કાર્મેલ કોલેજના ગ્રેજ્યુએટ છે અને તેમણે બેંગલોર યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. તેમની લેબોરેટરીમાં યાદશક્તિ ઉપર અનેક સંસોધન થયા છે. તેમણે અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે અને તેઓ એસોસિએશન ફોર સાયકોલોજી સાયન્સનાં પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રૂપ-વિમેન ઇન કોગ્નિટિવ સાયન્સનાં સ્થાપક છે.
સોશિયોલોજીમાં જ્યોતિ પુરીને ફેલોશિપ મળી છે. તેઓ બોસ્ટનની સિમોન્સ યુનિવર્સિટીમાં સોશિયોલોજીના પ્રોફેસર છે. તેમણે સામાજિક મુદ્દાઓ સંદર્ભે અનેક પુસ્તકોનું લેખન કર્યું છે. તેમને વર્ષ 2018માં અમેરિકન સોસિયોલોજિકલ એસોસિએશન તરફથી ડિસ્ટિંગ્વિશ્ડ બૂક એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તેમણે અગાઉ વૂમન, બોડી, ડીઝાયર ઇન પોસ્ટ કોલોનિયલ ઇન્ડિયા અને એન્કાઉન્ટરીંગ નેશનાલિઝમ (બ્લેકવેલ પબ્લિશર્સ 2004) પુસ્તકોનું લેખન કર્યું છે.
અમેરિકાના ઇતિહાસના ક્ષેત્રમાં મનિષા સિંહાને ફેલોશિપ પ્રાપ્ત થઇ છે. તેઓ યુનિવર્સિટી ઓફ કનેક્ટીકટ સાથે સંકળાયેલા છે. મનિષા સિંહાને ગુલામી, પતન, નાગરિક યુદ્ધ અને પુનર્નિર્માણની બાબતોના ઇતિહાસમાં સૌથી અધિકૃત માનવામાં આવે છે. ભારતમાં જન્મેલા મનિષા સિંહાએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડીની ડિગ્રી મેળવી છે. જ્યાં તેમનાં શોધ નિબંધને બેંક્રોફ્ટ પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. તેમના દ્વારા લિખિત અનેક પુસ્તકોને પુરસ્કાર પ્રાપ્ત થયા છે, જેમાં ધ કાઉન્ટરરીવોલ્યુશન ઓફ સ્લેવરીઃ પોલિટિક્સ એન્ડ આઈડિયોલોજી ઇન એન્ટેબેલમ સાઉથ કેરોલિના; એક મોનોગ્રાફ, ધ સ્લેવ્સ કોઝ: અ હિસ્ટ્રી ઓફ એબોલિશન, જે લાંબા સમયથી નોન ફિક્શન માટે નેશનલ બુક એવોર્ડની યાદીમાં સ્થાન મળ્યું હતું.