યુકે સરકાર દ્વારા જાહેર કરાયેલ કોવિડ-૧૯ સપોર્ટ લોન મેળવવા માટે ખોટી માહિતી આપવા બદલ ભારતીય મૂળના દંપતીને દોષિત ઠેરવવામાં આવ્યું છે.
40 વર્ષીય હર્મન બાંગર અને તેમના 38 વર્ષીય પત્ની નીના કુમારીને ગયા તાજેતરમાં વોલ્વરહેમ્પટન મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરવ્યા હતાં અને તેમને હવે 14 જાન્યુઆરીએ સજા ફટકારવામાં આવશે.
કોર્ટે ભૂતપૂર્વ સ્થાનિક કાઉન્સિલરની દલીલો સાંભળ્યા પછી આ સજા ફટકારી હતી. તેમણે પોતાના પદ અને જ્ઞાાનનો દુરુપયોગ કરીને રાષ્ટ્રીય સંકટની સ્થિતિનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરી હતી. ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ(સીપીસી)ના વિશેષ ફ્રોડ પ્રોસેક્યુટર વેન્ડી સ્ટીવન્સે જણાવ્યું હતું કે, બાંગરને આ પ્રકારની કોવિડ સહાયતા યોજનાઓની ઉંડી સમજ હતી અને તેમણે વ્યવસ્થાનો ફાયદો ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા.
ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર દંપતીએ કોવિડ-૧૯ બાઉન્સ બેક લોન સ્કીમ હેઠળ દસ હજાર પાઉન્ડ મેળવવા માટે ખોટી માહિતી આપી હતી. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પિઝ્ઝા પ્લસ બિઝનેસ ઓક્ટોબર, 2019થી ચાલી રહ્યો છે પણ હકીકતમાં આ બિઝનેસ ગત વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યો હતો.
તપાસ ટીમને જાણવા મળ્યું હતું કે 16 મે, 2020 સુધી આ બિઝનેસના સરનામા પર વીજ પુરવઠો બંધ હતો.