‘તાપી નદી પર ઝડપભેર રિવરફ્રન્ટનું નિર્માણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતને ગ્રીન કવરથી આચ્છાદિત કરવા તેમજ ઉદ્યોગો દ્વારા ટ્રીટેડ વોટર જ નદીઓમાં છોડવામાં આવે તે દિશામાં રાજ્ય સરકાર નક્કર આયોજન કરશે.,’ એમ સુરતની તાપી નદીના તટેથી રવિવારે રાજ્યવ્યાપી ‘નદી ઉત્સવ’નો શુભારંભ કરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.
દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ” યોજાયો હતો. જ્યાં તાપી નદીના પાવન તટે તેમણે તાપીમૈયાનું પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો હતો.
પટેલે ‘નદી ઉત્સવ’ નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે, નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી છે. માનવજીવન સહિત અનેકવિધ સજીવો માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીઓ એકમાત્ર સ્ત્રોત છે. આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે.
ભૂતકાળની સરકારના શાસનમાં જોવા મળતી સુવિધાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સમયે સાબરમતી નદીના પટ પર ક્રિકેટના મેદાનો અને સર્કસના ડેરા-તંબુ જોવા મળતા હતા, જ્યારે તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ રિવરફ્રન્ટ સાકાર થયો છે.
‘નદી ઉત્સવ’ નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો અનોખો પ્રયાસ છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, માનવજીવન તેમજ અનેકવિધ સજીવસૃષ્ટિ માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીનો એકમાત્ર સ્ત્રોત છે, ત્યારે આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે. તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં ‘નદી ઉત્સવ’ના માધ્યમથી નદીઓ, વૃક્ષો સહિતની કુદરતી સંપત્તિના સંરક્ષણની આહલેક જગાવવામાં આવશે. ઉપરાંત, નદીઓને સિટી બ્યુટીફિકેશન સહિતના બહુવિધ વિકાસઆયામો સાથે જોડીને લોકસુવિધા ઊભી કરવાની સરકારની નેમ છે. નર્મદાના કેવડીયા ખાતે એકતા ક્રુઝ અને રિવરરાફટીંગ જેવી આનંદ-પ્રમોદની સુવિધાઓ સરકારે વિકસાવી છે એમ પણ તેમણે કહ્યું હતું.