(Photo by Surjeet Yadav/Getty Images)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથે તેમના પરિવારજનોને યુકે લઈ જવા માટે મંજૂરી આપવા ઈસીબીને વિનંતી કરી હતી. બોર્ડના વરિષ્ઠ સૂત્રએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના પુરુષ અને મહિલા ખેલાડીઓના અને ટીમના સપોર્ટ સ્ટાફના પરિવારજનો બંનને ઇંગ્લેન્ડના એક મહિનાના લાંબા પ્રવાસ દરમિયાન સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે.

બોર્ડે કોવિડ-19 મહામારીના કારણે પરિજનો સાથે રહીને સમય વિતાવી શકે તે માટે વિનંતી કરી હતી. જોકે, એ પણ જાણવા મળ્યું છે કે, બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સહિતના કોઇપણ પદાધિકારી 18થી 22 જુન દરમિયાન સાઉધમ્પ્ટન ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં યુકેના ક્વોર્ન્ટાઇન થવાના કડક નિયમોને કારણે હાજર રહેશે નહીં. આ એક સારા સમાચાર છે કે, યુકેના પ્રવાસ દરમિયાન ખેલાડીઓની સાથે તેમના પરિવારો રહી શકશે. એજ રીતે મહિલા ટીમના ખેલાડીઓના પરિવારજનો પણ સાથે જઈ શકશે. આ સમયે ખેલાડીઓ માનસિક રીતે સ્વસ્થ હોવા જોઇએ. સૂત્રે જણાવ્યું હતું કે, બોર્ડ સમજે છે કે આપણા ખેલાડીઓ અને સાથી કર્મચારીઓ સારી સ્થિતિમાં હોવા જરૂરી છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે, સૌરવ ગાંગુલી અને જય શાહને ઇંગ્લેન્ડમાં મંજૂરી મળશે નહીં.

સામાન્ય રીતે સંચાલકો ટેસ્ટ મેચ પહેલા જતા હોય છે પરંતુ ક્વોર્ન્ટાઇન નિયમોને કારણે તેઓ ખેલાડીઓ નહીં હોવાથી તેમને 10 દિવસ કવોર્ન્ટાઇન રહેવું પડે. બોર્ડ પ્રેસિડેન્ટ અને સેક્રેટરીને ટીમના નિયમો લાગુ પડતા નથી, તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું.

બંને ટીમોને ભારતમાં 14 દિવસ સુધી ઘર અને હોટેલમાં ક્વોર્ન્ટાઇન રહીને છ આરટી-પીસીઆર નેગેટીવ ટેસ્ટ આવ્યા પછી બુધવારે (2 જુન) ચાર્ટર ફ્લાઇટમાં લંડન આવવા રવાના થશે.

લંડનમાં પણ તેમને ત્રણ દિવસ સુધી રૂમમાં ક્વોર્ન્ટાઇનના કડક નિયમ હેઠળ રહેવું પડશે અને પછી તેઓ તેઓ જિમ્નેશિયમ અને નેટ પ્રેક્ટિસ શરૂ કરી શકશે.