પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરને કારણે આશરે એક કરોડથી વધુ લોકોએ રોજગાર ગુમાવી છે, જ્યારે કોરોના મહામારીની શરુઆત પછીથી અત્યાર સુધી 97 ટકા પરિવારોની આવક ઘટી છે, એમ સેન્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમી-(CMEI)ના ચીફ એક્ઝિક્યુટિવ મહેશ વ્યાસે સોમવારે જણાવ્યું હતું.

CMEI રિપોર્ટ મુજબ મે મહિનામાં બેરોજગારીનું પ્રમાણ વધીને 12 ટકા સુધી પહોંચે એવી આશંકા છે, આ પ્રમાણ એપ્રિલમાં 8 ટકા હતું. તેનાથી સંકેત મળે છે કે આ સમયગાળામાં આશરે એક કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. રોજગારી ગુમાવવાનું મુખ્ય કારણ મુખ્યત્વે કોરોનાની બીજી લહેર હોવાનો ઉલ્લેખ કરતાં વ્યાસે જણાવ્યું હતું કે અર્થતંત્ર ખૂલવાની સાથે સમસ્યાનો ઉકેલ આવશે, પરંતુ સંપૂર્ણપણે સમસ્યાનો ઉકેલ આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ પણ એવી છે કે, જે લોકોનો રોજગાર છીનવાયો છે તેઓને નવી નોકરી શોધવાનું મુશ્કેલ છે. ઇન્ફોર્મલ સેક્ટરમાં રિકવરી છે, જ્યારે ફોર્મલ સેક્ટર જ્યાં સારી ક્વોલિટી જોબ્સ છે ત્યાં સ્થિતિ સુધરતાં સમય લાગશે.

મે 2020માં બેરોજગારીનું પ્રમાણ 23.5 ટકા સુધી વધી ગયું હતું. આ સમયે દેશવ્યાપી લોકડાઉન હતું. પરંતુ કોરોનાની બીજી લહેરને લીધે અનલોક થતાં રાજ્યો ફરી એકવાર પ્રતિબંધો મૂકવા લાગ્યા હતા. જેનાથી સ્થિતિ વધુ ખરાબ બની છે. નિષ્ણાતો જણાવે છે કે બેરોજગારીનું પ્રમાણ 3-4 ટકા રહે તો દેશની અર્થવ્યવસ્થા માટે મોટી ચિંતાનો વિષય નથી. CMEIએ આ માટે આશરે 1.75 લાખ પરિવારોનો સર્વે કર્યો હતો, જેમાં પરિવારની આવકની માહિતી લેવામાં આવી હતી. કોરોના કાળમાં ઘણા પરિવારોની આવક પહેલાની સરખામણીએ ઘટાડી હતી.