Represents image

અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા 7720 ભારતીય મૂળના નાગરિકોને અધિકારીઓએ 2019માં ઝડપી લીધા હતા. એમાં 272 મહિલાઓ અને 591 બાળકોનો પણ સમાવેશ થતો હતો. ગયા વર્ષે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં કુલ 8,51,508 વિદેશી નાગરિકો ઝડપાયા હતા.

નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશને માહિતી અધિકારના કાયદા અંતર્ગત સરકાર પાસેથી માહિતી મેળવી હતી. એ પ્રમાણે ગયા વર્ષે અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 8,51,508 વિદેશી નાગરિકો ઝડપાયા હતા.

એમાંથી 7720 નાગરિકો ભારતીય મૂળના હતા. અમેરિકાની સરહદે કસ્ટમ વિભાગના અધિકારીઓએ 2019માં 272 મહિલા અને 591 બાળકો સહિત ભારતીય મૂળના 7720 નાગરિકોને પકડી લીધા હતા. અહેવાલ પ્રમાણે ઘૂસણખોરીના પ્રયાસમાં 115 ટકાનો વધારો થયો હતો. 2017માં 4620 ભારતીય નાગરિકો ઘૂસણખોરીના પ્રયાસમાં પકડાયા હતા.

2016માં એવા જ પ્રયાસમાં 3544 ભારતીયોને અધિકારીઓએ ઝડપી લીધા હતા. 2015માં ભારતીય મૂળના કુલ 3019 નાગરિકો ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન પકડાયા હતા. 2014માં 1663 ભારતીય નાગરિકો ઘૂસણખોરી કરતા પકડાયા હતા.

નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશનના સતનામ સિંહે જણાવ્યું હતું કે સગીર વયના યુવક-યુવતીઓની ઘૂસણખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આ રીતે ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ ન કરવાની સલાહ તેમણે ભારતીય મૂળના કિશોર-કિશોરીઓને આપી હતી.