જ્હોન હોપ્કિન્સ યુનિવર્સિટીના રેકોર્ડ પ્રમાણે અમેરિકામાં સોમવાર (20 જુલાઈ) સુધીમાં કોરોનાના ચેપના કેસો 3830926 નોંધાયા છે. તેમાંથી 1160087 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી વિશ્વભરમાં 140909 નોંધાયા છે. વિશ્વભરમાં 14707451 કેસોમાંથી 8294208 દર્દીઓ સાજા થયા છે. વિશ્વમાં કોરોનાથી મોતનો આંક 609986 નોંધાયો છે.

જુલાઇ માસમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોવાનું સૌથી વધારે પ્રમાણ ફલોરિડામાં નોંધાયું હતું. અલાબામા, એરીઝોના, નોર્થ કેરોલાઈના, જ્યોર્જિયા, નેવડા અને ટેકસાસમાં પણ વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

કેલિફોર્નિયાના લોસ એન્જેલસમાં સ્ટે એટ હોમના પુનઃ આદેશની તૈયારી છે. શિકાગોમાં કોરોના સંબંધિત નિયંત્રણો લદાયા છે. શિકાગોના મેયર લોરી લાઇટફૂટે માસ્ક હટાવવા પડે તેવી શેવિંગ, ફેસિયલ સહિતની સેવા બંધ કરવા ઉપરાંત બારમાં ઇન્ડોર સેવાની મનાઇ ફરમાવી હતી.

એક સમયે કોરોનાના એપી સેન્ટર બની ગયેલા ન્યૂ યોર્કમાં છેલ્લા ચાર માસમાં ગયા સપ્તાહે સૌથી ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. ગવર્નર એન્ડ્યુ કુઓમોએ જણાવ્યું હતું ક, ન્યૂ યોર્કમાં રવિવારે કોરોનાથી આઠના મોત અને 716 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ફલોરિડામાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા 10,000થી વધારે કેસો નોંધાયા હતા. ગવર્નર રોન દેસાન્ટસની પ્રેસ કોન્ફરન્સમાં વિક્ષેપ પાડતા ચાર દેખાવકારોએ ગવર્નર દ્વારા કોરોના સંબંધિત ગેરવહિવટ અને લોકોને ખોટી માહિતી આપવાના આક્ષેપો મૂક્યા હતા. વીડિયોમાં ચારેય દેખાવકારો “શઇમ ઓન યુ”ના સૂત્રો પોકારતા દેખાતા હતા.