ભારતના બજારમાં સૌથી વધુ મૂલ્ય ધરાવતી ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં ગત અઠવાડિયામાં રૂપિયા 4,22,393.44 કરોડનું ધોવાણ નોંધાયું છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસના માર્કેટ કેપ અને બજાર મૂલ્યમાં સૌથી વધારે ઘટાડો થયો છે. કોરોના, યસ બેન્કની કટોકટી તેમજ ક્રૂડ વોરના કારણે વૈશ્વિક બજારો હાલ આકરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જેના કારણે આ કંપનીના બજાર મૂલ્ય પર પણ વિપરિત અસર પડી છે.
બી. એસ. ઇ. સેન્સેક્સમાં ગત અઠવાડિયે 3473.14 પોઇન્ટ અથવા 9.24 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના માર્કેટ કેપમાં 1,16,549 કરોડનો ઘટાડો થઇ તેનો માર્કેટ કેપ અઠવાડિયાના અંતે 6,78,168 કરોડ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્કેટ કેપ 1,03,425 કરોડના ઘટાડા સાથે 7,01,693 કરોડ થયો હતો.
ઇન્ફોસિસને પણ અઠવાડિયે ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો. તેના માર્કેટ વેલ્યુએશનમાં 41,315 કરોડનો ઘટાડો થયો હતો અને વેલ્યુએશન 2,73,505 કરોડ પર પહોંચ્યું હતું. એચ.ડી.એફ.સી. બેન્કનો માર્કેટ કેપ 34,919 કરોડના ઘટાડા સાથે 5,87,190 કરોડ પર પહોંચ્યો હતો.
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનો માર્કેટ કેપ 33,208 કરોડ ઘટયો હતો અને અઠવાડિયાના અંતે 4,40,151 કરોડ થયો હતો. કોટક મહિન્દ્ર બેન્કના માર્કેટ વેલ્યુએશનમાં 30,931 કરોડનો ઘટાડો થયો હતો અને અઠવાડિયાના અંતે માર્કેટ વેલ્યુએશન 2,81,237 કરોડ થયું હતું.
આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કનું માર્કેટ વેલ્યુેશન પણ 25,098 કરોડના ઘટાડા સાથે 2,89,606 કરોડ થયું હતું. બજાજ ફાયનાન્સનો માર્કેટ કેપ 16,321 કરોડના ઘટાડા સાથે 2,37,989 કરોડ પર પહોંચ્યો હતો. ભારતી એરટેલના માર્કેટ વેલ્યુએશનમાં 13,611 કરોડનો ઘટાડો થયો હતો અને તેનું વેલ્યુએશન 2,69,613 કરોડ થયું હતું.