(Photo by Anna Moneymaker/Getty Images)

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગત ગુરુવારે જાતિ અને વંશને આધારે યુનિવર્સિટીઓમાં એડમિશન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેનાથી આફ્રિકન અમેરિકન તથા કેટલાક અન્ય લઘુમતી સમુદાયો માટે શિક્ષણની તકોને પ્રોત્સાહન આપતી દાયકા જૂને નીતિઓ સામે સવાલ ઊભો થયો છે.

મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટસે બહુમતી અભિપ્રાયમાં લખ્યું હતું કે એફિર્મેટિવ એક્શન પ્રોગ્રામનો હેતુ સારો છે અને સદભાવના સાથે તેનો અમલ થયો છે, પરંતુ તે કાયમ માટે રાખી શકાય નહીં અને તે અન્ય લોકો સામે ગેરબંધારણીય ભેદભાવ સમાન છે. વિદ્યાર્થી સાથે તેના એક વ્યક્તિ તરીકેના અનુભવને આધારે વ્યવહાર થવો જોઇએ, વંશીય આધારે નહીં. યુનિવર્સિટીઓ અરજદાર જાતિવાદી ભેદભાવના અનુભવ સાથે મોટા થયા છે કે નહીં જેવા તેમના બેકગ્રાઉન્ડને આધારે તેમની અરજીની વિચારણા કરી શકે છે, પરંતુ પ્રાથમિક રીતે અરજદાર શ્વેત, શ્યામ કે અન્ય છે તેના આધારે નિર્ણય લેવો તે પોતે વંશીય ભેદભાવ છે.

આ ચૂકાદાની અસરો વિષે મત મતાંતરો છે, પણ એનાથી ભારતીય સહિત સાઉથ એશિયન સમુદાયના વિદ્યાર્થીઓને ફાયદો થવાની સંભાવના વધુ જણાય છે. આવી ધારણા એ હકિકતના આધારે બાંધી શકાય કે, કોર્ટમાં આ એફર્મેટીવ એક્શન વિરૂદ્ધ જે કેસ કરાયો હતો, તે અરજીની તરફેણમાં અમેરિકામાં કાર્યરત ત્રણ ભારતીય, બે પાકિસ્તાની તેમજ બે હિંદુ સંસ્થાઓએ પણ પક્ષકાર બની પોતાની રજૂઆત કરી હતી.

તેમની દલીલ એવી હતી કે, હાર્વર્ડ એશિયન સમુદાયને ઓછા વૈવિધ્ય ધરાવતો ગણે છે અને તેના પગલે તે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એશિયન્સને ઓછી પ્રાથમિકતા અપાય છે. આ રીતે, હાર્વર્ડ યુનિવર્સિટી તેમની સામે ભેદભાવ દાખવે છે.
સ્ટુડન્ટ્સ ફોર ફેર એડમિશન્સ (SAFA) દ્વારા આ કેસ કરાયો હતો અને તેના સમર્થનમાં બ્રીફ ફાઈલ કરનારી મોખરાની સંસ્થા ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO) ના ચેરમેન થોમસ અબ્રાહમે કોર્ટના ચૂકાદાને આવકાર્યો હતો. કેસના સમર્થનમાં બ્રીફ ફાઈલ કરનારી અન્ય સંસ્થાઓમાં નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન અમેરિકન એસોસિએશન્સ, અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન – એનસીસી, અમેરિકન હિન્દુ કોએલિશન, વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકા, પાકિસ્તાન પોલિસી ઈન્સ્ટિટયુટ તથા પાકિસ્તાની અમેરિકન વોલિન્ટીયર્સનો સમાવેશ થાય છે.

જો કે, પ્યુ રીસર્ચના એક અહેવાલ મુજબ ઈન્ડિયન અમેરિકન્સ ઉપર એફર્મેટિવ એક્શનની નેગેટિવ અસર હોવા છતાં 60 ટકા ઈન્ડિયન અમેરિકન્સ તેને સારી બાબત ગણે છે, જ્યારે 50 ટકા અમેરિકન્સ તેના વિરોધી છે. આ ચુકાદા અંગે જો કે, અસંમત થતાં જસ્ટિસ સોનિયા સોટોમાયોરે કોર્ટ સામે વિભાજિત સમાજની વાસ્તવિકતા પ્રત્યે અંધ હોવાનો આક્ષેપ કર્યો હતો.

LEAVE A REPLY

twenty − 6 =