Indian cricket
ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગુરુવાર (18) રમાયેલી પ્રથમ વન-ડેમાં વનડે મેચમાં ભારતે 10 વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. (ANI Photo/BCCI Twitter)

ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગુરુવાર (18) રમાયેલી પ્રથમ વન-ડેમાં વનડે મેચમાં ભારતે 10 વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. ભારતે ટોસ જીતીને યજમાન ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રેગિસ ચકાબ્વાની આગેવાનીવાળી યજમાન ટીમ 40.3 ઓવરમાં 189 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 30.5 ઓવરમાં 192 રન નોંધાવીને મેચ આસાનીથી જીતી લીધી હતી. શિખર ધવને 113 બોલમાં નવ ચોગ્ગા સાથે અણનમ 81 રન નોંધાવ્યા હતા જ્યારે શુભમન ગિલે 72 બોલમાં 82 રન ફટકાર્યા હતા જેમાં 10 ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. દીપક ચહરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આની સાથે ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે સળંગ 13મો વિજય નોંધાવ્યો હતો. ભારતે એક ટીમ સાથે સળંગ સૌથી વધુ વિજયનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારતે 2013થી 2022 દરમિયાન ઝિમ્બાબ્વે સામે સળંગ 13 વિજય નોંધાવ્યા હતા. જ્યારે 1988થી 2004 દરમિયાન ભારતે ઝિમ્બાબ્વે સામે સળંગ 12 વિજય નોંધાવ્યા હતા. જ્યારે 1986થી 1988 દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે 11 અને 2022થી 2005 દરમિયાન ઝિમ્બાબ્વે સામે સળંગ 10 વિજય નોંધાવ્યા હતા.
ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 10 વિકેટે વિજય નોંધાવ્યો હતો. જેમાં શિખર ધવન અને શુભમન ગિલે 192 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. વન-ડેમાં ભારતના 10 વિકેટે વિજયમાં આ બીજી સૌથી મોટી ભાગીદારી છે. ભારત માટે દીપક ચહર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજને એક સફળતા મળી હતી.

ભારતીય બોલર દીપક ચહરે શરૂઆતમાં જ તરખાટ મચાવી દીધો હતો. ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ રન સુકાની ચકાબ્વાએ નોંધાવ્યા હતા. તેણે 51 બોલમાં 35 રન ફટકાર્યા હતા. જ્યારે ગરાવાએ 34 અને બ્રેડ ઈવાન્સે અણનમ 33 રન નોંધાવ્યા હતા