GST
(ANI Photo/ ANI Picture Service)
સંચાલકીય કટોકટીનો સામનો કરી રહેલી દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોને બુધવારે વધુ એક ફટકો પડ્યો હતો. દિલ્હી CGST કમિશનરેટના એડિશનલ કમિશનરે કંપનીને આશરે રૂ.458 કરોડની જીએસટી નોટિસ ફટકારી હતી લખનૌની જોઇન્ટ કમિશનર ઓફિસે પણ કંપનીને 2021-22 માટે આશરે રૂ.14.59 લાખનો દંડ કર્યો હતો. જોકે કંપનીએ જીએસટી વિભાગના આ નિર્ણયને પડકારવાની જાહેરાત કરી હતી.
નિયમનકારી માહિતીમાં ઇન્ડિગોએ જણાવ્યું હતું કે દક્ષિણ દિલ્હી CGST કમિશનરેટના એડિશનલ કમિશનરે પેનલ્ટી ફટકારી છે. તે 2018-19થી 2022-23ના નાણાકીય વર્ષ માટે સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ એક્ટ, 2017ની કલમ 74 હેઠળના આકારણી આદેશ સંબંધિત છે. જીએસટી વિભાગે વિદેશી સપ્લાય પાસેથી મેળવેલા વળતર તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઇનકાર માટે વ્યાજ-દંડ સાથે જીએસટીની માગણી કરતો આદેશ પસાર કર્યો છે.
જોકે કંપનીએ જણાવ્યું હતું કે તે દ્રઢપણે માને છે કે GST વિભાગનો આ આદેશ ખોટો છે અને કાયદા અનુસાર નથી, તેથી કંપની તેનો વિરોધ કરશે અને આદેશ સામે યોગ્ય કાનૂની ઉપાયો અપનાવશે. કંપનીએ 2017-18ના નાણાકીય વર્ષ માટેના આવા જ મામલા સામે કમિશનર (અપીલ્સ)માં અપીલ કરી છે. કંપનીએ આદેશને પડકારવાનો નિર્ણય કર્યો હોવાથી આ આદેશની તેની નાણાકીય, સંચાકીય અને બીજી પ્રવૃત્તિ પર કોઇ નોંધપાત્ર અસર થશે નહીં.
આ ઉપરાંત લખનૌની જોઇન્ટ કમિશનર ઓફિસે પણ 2021-22 માટે ઇન્ડિગોને રૂ.14.59 લાખની પેનલ્ટી ફટકારી છે. વિભાગે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ આપવાનો ઇનકાર કર્યો હતો તથા વ્યાજ અને દંડની માંગણી કરી છે.કંપનીએ આ આદેશને પણ ભૂલભરેલો ગણાવી પડકારવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY