વધતા જતા ખર્ચને કારણે 1.2 મિલિયનથી વધુ વૃદ્ધ અને અપંગ લંડનવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અને મફત મુસાફરીનો લાભ અપતા ફ્રીડમ પાસની લંડન કાઉન્સિલ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે.
આ ખર્ચ એપ્રિલથી £372 મિલિયન પ્રતિ વર્ષ થવાનો અંદાજ છે, જે 11.8%નો વધારો દર્શાવે છે. આ પાસ ગ્રેટર લંડનની અંદર તમામ ટ્રાન્સપોર્ટ ફોર લંડન સેવાઓ અને રાષ્ટ્રીય રેલમાં મફત મુસાફરી પૂરી પાડે છે.
આ સમીક્ષામાં સંભવિત ફેરફારોની તપાસ કરવામાં આવશે, જેમાં પાસ માટેની લાયકાતની વય વધારવા અથવા પાસને ફક્ત બસો સુધી મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. આ પાસને બસ મુસાફરી સુધી મર્યાદિત કરવાથી ખર્ચો વાર્ષિક £224 મિલિયન સુધી ઘટી શકે છે, જોકે તે માટે સંસદીય ફેરફારો જરૂરી રહેશે.
કાઉન્સિલરોએ નાણાકીય બોજ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રિચમંડને 16.2%, કિંગ્સ્ટનને 14.9%, બ્રોમલીને 15.2% અને બ્રેન્ટને £2 મિલિયનથી વધુ ખર્ચના વધારાનાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મોટાભાગના બરો કાર પાર્કિંગ અને મોટરિંગ ફાઇનમાંથી પાસને ભંડોળ પૂરું પાડે છે. લંડન કાઉન્સિલે ચેતવણી આપી છે કે આ દાયકાના અંત સુધીમાં ખર્ચ £500 મિલિયન સુધી પહોંચી શકે છે.
લંડન કાઉન્સિલના સીઓઓ સ્ટીફન બૂને આ યોજનાને યુકેના અન્ય સ્થળો કરતાં “વધુ ઉદાર” ગણાવી હતી અને સુધારાના પરિણામોને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ફ્રીડમ પાસ 66 વર્ષની ઉંમરના તમામ લંડન નિવાસીઓ અને અપંગ રહેવાસીઓ માટે વયને ધ્યાનમાં લીધા વિના ઉપલબ્ધ છે.













