ગત એપ્રિલ મહિનામાં યુરોપમાં ફુગાવો વધુ એક નવા ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતા. યુરોપિયન યુનિયન સ્ટેટિસ્ટિક્સ એજન્સી યુરોસ્ટેટ દ્વારા જાહેર થયેલા આંકડામાં જણાવ્યા પ્રમાણે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ફ્યૂઅલના સતત વધી રહેલા ભાવને કારણે યુરોપમાં મોંઘવારી સતત વધી રહી છે.
યુરોસ્ટેટના જણાવ્યા પ્રમામે યુરો કરન્સીનો ઉપયોગ કરતા 19 દેશોમાં એપ્રિલના ફુગાવામાં વાર્ષિક ધોરણે 7.5 ટકાનો વધારો થયો છે, જે માર્ચ મહિનામાં 7.4 ટકા હતો. સતત છઠ્ઠા મહિને યુરોઝોનના ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. યુરોસ્ટેટના જણાવ્યા મુજબ વીજળીના ભાવમાં 38 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ યુરોપના 34.3 કરોડ લોકોને કેવી રીતે અસર કરી રહ્યું છે. યુરોસ્ટેટના જણાવ્યા અનુસાર ફક્ત યુરોપ જ નહીં સમગ્ર વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે. માર્ચમાં અમેરિકામાં ફુગાવો વધીને 8.5 ટકા થઇ ગયો છે, જે 1981 પછીનો સૌથી ઉંચો ફુગાવો છે. વધતા ફુગાવાને કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને અનાજથી લઇને યુટિલિટી બિલો પાછળ વધુ રકમ ચુકવવી પડી રહી છે. યુરોપમાં ફુગાવો વધવાનું સૌથી મોટું કારણ ઊર્જાના વધી રહેલા ભાવ છે. જર્મનીઅ દેશના લોકોને રાહત આપવા માટે વીજળીના દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ચાર સભ્યોના પરિવારને વાર્ષિક ૩૦૦ યુરોની બચત થશે. કોરોનામાંથી બહાર આવેલા દેશોમાં ઓઇલ અને ગેસની માગ વધતા તેના ભાવ સતત વધી રહ્યાં છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પણ ઓઇલ અને ગેસના ભાવ વધ્યા છે.