(istockphoto)

આયુર્વેદિક ડોકટરોને 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગીના નિર્ણયની વિરોધમાં દેશના ડોક્ટર્સની એક દિવસની પ્રતિક હડતાલ બાદ ગુજરાત ઈન્ટર્ન ડોકટરોએ સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવા માટે માંગણી કરી છે. આ માંગણી નહિ સ્વીકારવામાં આવે તો રાજયના તમામ ઈન્ટર્ન ડોકટરો સોમવારથી તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઉતરી જશે. કોરોના સમયગાળામાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહ્યું છે તેવો આક્ષેપ ઈન્ટર્ન ડોકટરોએ મુક્યો છે.

સોશિયલ મીડિયામાં ઈન્ટર્ન ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નામે બનાવેલા એકાઉન્ટમાં ઈન્ટર્ન ડોકટરોએ એક લેટર પોસ્ટ કર્યો છે જેમાં જણાવ્યું છે કે ઈન્ટર્ન ડોકટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે અને તેમાં 300 જેટલા ડોકટરો કોરોના સંક્રમિત થયા છે. સિનિયર ડોકટરો સાથે તેઓ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને રૂ.12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડોકટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજુઆત કરી છતાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી તેઓની ત્રણ માંગણીઓ નહિ સ્વીકારાય તો સોમવારથી તમામ સરકારી, GMERS અને કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ઇન્ટર્ન ડોકટરો હડતાળ પર ઉતરી જશે.