મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ શનિવારે દક્ષિણ ગુજરાતના ભરૂચમાં રૂ. ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે, ‘કોરોના કાળ’માં પણ આ સરકારે આ વર્ષના બજેટમાં થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા ૧૯૮ ગામો, ૪ શહેરોને શુદ્ધ જળ મળતુ થશે. તેમણે કહ્યું કે, સરકારનું બજેટ માર્ચ મહિનામા પસાર થયુ ને તુંરત જ કોરોના સંક્રમણ વિશ્વમાં વ્યાપી ગયું, આમ છતા “જાન હે, જહાન ભી હે” ના વડાપ્રધાનશ્રીના ધ્યેયને વાચા આપી રાજ્ય સરકારે આર્થિક ગતિવિધિઓ, વિકાસના કામો સમયબદ્ધ ઉપાડ્યા છે. અત્યાર સુધીમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોની ભેટ કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોને આપી છે એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના વિકાસકામો પણ એ જ ત્વરાએ વેગવાન કર્યા છે તેમ ઉમેર્યું હતું.
આ અંગે તેમણે કહ્યું કે, પાણીને વિકાસનો આધાર બનાવીને ઘરે ઘરે, ગામે ગામ પાણી પુરતું મળે તે માટે છેલ્લા પાંચ દિવસોમાં જ ૨૫૦૦ કરોડના પાણી પુરવઠાના વિવિધ કામો રાજ્યભરમાં શરુ થયા છે.
વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાનો નિર્ધાર પુનઃ વ્યક્ત કરતા ઉમેર્યું કે, પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે.
વિજયભાઈ રૂપાણીએ ભરૂચના વાલિયા ખાતે અંદાજીત રૂ. ૩૮૫ કરોડના ખર્ચે આકાર પામનારી વધુ ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરી આ યોજનાઓ પૂર્ણ થતા, ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા, અને નેત્રંગ તાલુકાઓ આગામી દિવસોમાં નંદનવન બનશે તેમ જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના ધ્યેય સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી આદિવાસી પ્રદેશના સર્વતોમુખી વિકાસની નેમ વ્યક્ત કરી હતી.
તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરંપરાને આગળ વધારતા વર્તમાન રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ બનાવીને નવા નવા સોર્સ આધારિત યોજનાઓની ભેટ પ્રજાજનોને આપી રહી છે તેમ જણાવી ગુજરાતમાંથી ટેન્કરરાજ ખતમ કરવા સાથે પાણી પુરવઠા યોજનાઓની ફાઈલોમાંથી “નો સોર્સ” શબ્દને દૂર કર્યો છે તેમ જણાવ્યું હતું. સને ૨૦૨૨ સુધીમા ગુજરાતના દરેક ઘરને “નલ સે જલ” મળે તે માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, અન્ન વિતરણ યોજના, વીજ જોડાણ યોજના જેવા કાર્યોમાં રાજ્ય સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓનો ખ્યાલ આપ્યો હતો. માં રેવાને તીરે ભાડભૂત યોજનાનું ભગીરથ કાર્ય પણ રાજ્ય સરકારે હાથ ધર્યું છે તેમ જણાવી શ્રી રુપાણીએ દરિયાના ખારા પાણીને મીઠું પીવાલાયક બનાવવાની યોજનાનો ખ્યાલ આપ્યો હતો.
૧૫ ડિસેમ્બરે દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે પણ ગુજરાતમાં વિકાસના નવા આયામો સર કરાશે તેમ જણાવી રૂપાણીએ સુજલામ સુફલામ યોજનાનો પણ ખ્યાલ આપ્યો હતો. ગુજરાતને પાણીદાર બનાવવા માટે વિકાસની પ્રાથમિક શરત માત્ર પાણી જ છે તેમ જણાવ્યુ હતું. લ્લેખનીય છે કે, આજે રૂપાણીના હસ્તે ભરૂચ જિલ્લાની રૂ. ૩૮૪.૭૮ કરોડની જુદી જુદી ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામા આવ્યુ હતુ. જેમા (૧) નેત્રંગ-વાલિયા જૂથ પાણી પુરવઠા યોજના ; પેકેજ-૧, ૨, અને ૩ સહીત, (૨) મધ્યબારા જૂથ પાણી પુરવઠા યોજનાના બાકી રહેતા ગામોને જોડતી યોજના, (૩) ઝાડેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના, તથા (૪) રુંઢ-રાજપારડી જૂથ યોજના હેઠળના બાકી પરાઓને જોડતી યોજનાઓનો સમાવેશ થાય છે.