ઈટાલીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા એક લાખ નજીક પહોંચી છે, તો મૃત્યુઆંક અગિયાર હજારને આંબવા આવ્યો છે. કોરોનાથી દસ હજાર કરતા વધુ મોત થયો હોય એવો ઈટાલી જગતનો પ્રથમ દેશ બન્યો છે. બીજી તરફ અમેરિકામાં ચેપગ્રસ્તની સંખ્યા દોઢ લાખ નજીક પહોંચવા આવી છે. અત્યારે દુનિયામાં સૌથી વધુ ચેપ અમેરિકામાં છે. જગતભરમાં કોરોનાના દરદી સાડા સાત લાખ નજીક પહોંચવા આવ્યા છે, વૈશ્વિક મૃત્યુઆંક ૩૫ હજારને વટાવી ગયો છે, જ્યારે ૧.૫૬ લાખથી વધુ દરદી સાજા થયા છે.

સ્પેન અને ઈરાનમાં પણ કોરોનાની આગેકૂચ ચાલુ જ છે. સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૧ નવા મોત નોંધાયા હતા. એ સાથે મૃત્યુસંખ્યા સાડા સાત હજાર, જ્યારે ચેપગ્રસ્તની સંખ્યા ૮૫ હજારથી વધુ નોંધાઈ છે. સ્પેન પણ ચીનને ઓવરટેક કરી ગયું છે. ચીનમાં કેસ ૮૧,૪૭૦ થયા છે, જેમાં નવા ૩૧ કેસનો પણ સમાવેશ થાય છે. મધ્ય એશિયાઈ દેશ ઈરાનમાં નવાં ૧૧૭ મોત સાથે મૃત્યુ આંક ૨૭૦૦ ઉપર પહોંચ્યો છે, જ્યારે કેસની સંખ્યા ૪૨ હજાર નજીક પહોંચી છે.

ઈટાલીમાં જોકે છેલ્લા બે દિવસથી કોરોનાનો પ્રકોપ જરા ધીમો પડયો છે. શનિવારે ૮૮૯ મૃત્યુ નોંધાયા હતા, રવિવારે એ ઘટીને ૭૫૬ થયા હતા. એ રીતે શનિવારે ચેપ લાગનારાની સંખ્યા ૫૯૭૪ હતી, જે રવિવારે ઘટીને ૫૨૧૭ થઈ છે. કોરોનાનો આતંક ઈટાલીમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. સરકાર કહી નથી શકતી કે અહીં લોકડાઉન કેટલા દિવસ રહેશે. ઈટાલીમાં આ કટોકટીને પહોંચી વળવા માટે મેડિકલના સ્ટુડન્ટ્સને પણ તબીબી કામગીરી પર લગાડી દેવાયા છે.

બીજી તરફ આવા સમયે યુરોપિયન સંઘ (ઈયુ)ની એકતામાં તીરાડ પડી છે. અથવા તો યુરોપિયન સંઘમાં એકતા નથી એવુ સપાટી પર આવ્યું છે. કેમ કે ઈટાલી અને સ્પેનને અત્યારે સૌથી વધુ મદદની જરૂર છે, ત્યારે સંઘના ૨૭ દેશો કોઈ નિર્ણય લઈ શક્યા નથી. નિર્ણયીકરણમાં પણ મતમતાંતર જોવા મળે છે. અમેરિકામાં અઢી હજારથી વધુ મોત નોંધાયા છે. એમાં વળી એકલા ન્યુયોર્કમાં એક હજારથી વધુ મોત થયા છે.