અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્વનો દબદબાભેર પ્રારંભ થયો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને વિવિધ દેશોના એમ્બેસેડરની ઉપસ્થિતિમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ વર્ષે અમદાવાદ સાબરમતીના આંગણે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 43 દેશોના પતંગરસિકોએ ભાગ લીધો છે. અમદાવાદના મેયર બિજલબેન પટેલે પ્રસ્તાવના સંબોધનમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

પતંગ મહોત્સવના ઉદઘાટન બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ ભાષણમાં જણાવ્યું કે, ગુજરાત પોતાના તહેવારો અને ઉત્સવોને લીધે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. અમારી સરકાર આ ઉત્સવોના માધ્યમથી વિદેશના લોકોને ગુજરાત આવવા આકર્ષવા પ્રયાસ કરી રહી છે. પતંગ આપણને હંમેશા ઊંચે ઉડવાની પ્રેરણા આપે છે. જેથી આગામી સમયમાં ગુજરાતમાં પણ વિકાસનો પતંગ ઊંચો ઉડશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. અમદાવાદમાં 13મી જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે તમસોમાં જ્યોતિર્ગમય એ આપણી સંસ્કૃતિ છે. આનો અર્થ થાય છે અંધકારથી પ્રકાશ તરફ અજ્ઞાનથી જ્ઞાન તરફ આગળ વધીએ. મકરસંક્રાતિ પર્વ ઉપર સૂર્ય વધુ પ્રકાશ પ્રદાન કરશે જેના પરિણામે આગામી દિવસમાં પ્રકૃતિમાં નવિનતા જોવા મળશે. ઘાસમાં નવા પર્ણો જોવા મળશે. ઝાડ પર નવા પાંદડાઓ આવશે. પક્ષીઓ જૂના પીછાંને ત્યજીને નવા પીછા ધારણ કરશે. આ વૈજ્ઞાનિક પર્વ છે જેમાં ચોતરફ નવીનતા જોવા મળે છે.

ખેડૂતોના ખેતરોમાં રહેલો પાક મકરસંક્રાતિ પર લણવામાં આવે છે અને તે ખુશખુશાલ જોવા મળે છે. રાજ્યપાલે જણાવ્યું કે, આપણે નવી ઉંચાઓ તરફ આગળ વધીએ અને રાજ્યની સરકારે આ પતંગ મહોત્સવને આંતરાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું તેમજ વિવિધ દેશોના એમ્બેસેડર્સ અને પતંગબાજોનો પધારવા બદલ ધન્યાવદ કરું છું.