અમેરિકાએ તાજેતરમાં જ ઇરાન ઉપર ડ્રોન દ્વારા એક એરસ્ટ્રાઇક કરીને ઇરાનના ટોચના લશ્કરી વડા કાસિમ સુલેમાનીનું મોત નિપજાવ્યું હતું. એ પછી, બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે અને મિડલ ઇસ્ટમાં સ્થિતિ વધુને વધુ સ્ફોટક બની રહી છે. અમેરિકાએ ઉપરાઉપરી બે એરસ્ટ્રાઇક કરી હતી તો ઇરાને પણ અમેરિકાની બગદાદ ખાતેની એમ્બેસી પર રોકેટ છોડયું હતું. જનરલ સુલેમાનીના મોત પછી હવે ઈરાને બિનસત્તાવાર રીતે અમેરિકા સામે જંગનુ એલાન કરી દીધુ છે. બ્રિટને પણ પોતાના યુદ્ધજહાજો રવાના કર્યા છે. હાલમાં તો બ્રિટન, ઇઝરાયેલ અને કેટલાક યુરોપિયન દેશો અમેરિકાની પડખે છે તો ઇરાક સહિતના દેશો ઇરાનની પડખે હોવાનું જણાય છે. ચીને બંને દેશોને સંયમ અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. બંને દેશો વચ્ચે યુદ્ધની દહેશતના કારણે ક્રુડ ઓઇલ અને સોનાના વૈશ્વિકભાવોમાં ભડકો થયો છે.
ગયા સપ્તાહે ઈરાનની જામકરન મસ્જિદ ઉપર લાલ ઝંડો ફરકાવીને અમેરિકાને ચેતવણી અપાઈ છે. આ લાલ ઝંડાે યુદ્ઘની જાહેરાત મનાય છે કારણ કે અારબ જગતમાં એ પરંપરા રહી છે કે કોઇની હત્યા કરાય તો તેની કબર પર લાલ ઝંડો ફરકાવાય ત્યારે તેનો અર્થ થાય છે કે મરનારનો વારસદાર હયાત છે અને તે બદલો લેશે
ઈરાને એક રીતે પોતાના નાગરિકોને યુધ્ધ માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે. ઈરાન-ઈરાક યુધ્ધ વખતે પણ આ મસ્જિદ પર લાલ ઝંડો નહોતો ફરકાવાયો.લાલ ઝંડાને લોહી અને શહાદતનુ પ્રતીક માનવામાં આવે છે. જામકરન મસ્જિદનુ ઈરાનમાં આગવુ મહત્વ છે. આમ ઈરાને આ ઝંડો ફરકાવીને જનરલ સુલેમાનીના મોતનો બદલો લેવાનુ એલાન કર્યુ હોવાનુ મનાઈ રહ્યુ છે. બ્રિટેને કહ્યું કે તે પોતાના યુદ્ધ જહાજ મધ્ય-પૂર્વમાં મોકલશે અને મધ્ય-પૂર્વમાં તંગદિલી વધતાં બ્રિટિશ નાગરિકોની સુરક્ષા માટે તે સ્ટ્રેટ હોર્મઝની ખાડીમાં પોતાના બે યુદ્ધજહાજો તૈનાત કરશે. બ્રિટનનાં ડીફેન્સ સેક્રેટરી બેન વાલેસે ટ્વિટ કર્યું હતું કે, ‘મે યુદ્ધજહાજો એચએમએસ મોંટ્રોસ અને એચએમએસ ડિફેન્ડરને હોમુઝની ખાડીમાં જવા તૈયારી માટે આદેશ આપ્યા છે.’ તેમણે કહ્યું કે, ‘બ્રિટિશ સરકાર આ સમયે પોતાના જહાજો અને નાગરિકોની સુરક્ષા માટે તમામ આવશ્યક પગલા લેશે.’
ફ્રાન્સની રશિયા અને તુર્કી સાથે વાટાઘાટો
બીજી તરફ ચીનનાં વિદેશ પ્રધાન વાંગ યીએ અમેરિકાને સૈન્ય શક્તિનાં ખોટા ઉપયોગ પર નિયંત્રણ રાખવાની સલાહ આપી છે. વાંગ યીએ રશિયાનાં વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, સૈન્ય દુસાહસ કોઈપણ સ્થિતિમાં સ્વીકારી ના શકાય. ફ્રાન્સનાં પ્રેસિડેન્ટ ઇમેનુએલ મેક્રોને અલગ અલગ રીતે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન અને તુર્કીનાં પ્રેસિડેન્ટ રીસેપ તૈય્યપ અર્દોગન સાથે ફોન પર મધ્ય-પૂર્વ ક્ષેત્રની સ્થિતિ પર વાત કરી. ત્રણેય નેતાઓએ મધ્ય-પૂર્વ ક્ષેત્રની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને બંને પક્ષોને સંયમથી વર્તવાની અપીલ કરી હતી.