Ahmedabad: Police stand outside Shrey Hospital after a major fire broke out, in Ahmedabad, Thursday, Aug. 6, 2020. At least eight people have died at the private hospital for coronavirus patients early Thursday. (PTI Photo) (PTI06-08-2020_000019B)

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલની આગની દુર્ઘટના બાબતે રચેલી કમિટીએ પોતાનો તપાસ અહેવાલ તૈયાર કરીને રજૂ કરી દીધો હોવાનું ગુજરાત સરકારના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ અહેવાલને લઇને મુખ્યમંત્રી કક્ષાએ સમીક્ષા થઇ છે અને અહેવાલમાં હોસ્પિટલ મેનેજમેન્ટની માત્ર એનઓસીને લઇને જ નિષ્કાળજી હોવાનું જણાવાયું છે. બાકી આ ઘટનામાં મેનેજમેન્ટને લગભગ ક્લીનચીટ મળી હોવાનું સૂત્રો જણાવે છે.

કોવિડ હોસ્પિટલ તરીકે મહાનગર પાલિકાએ કરાર કર્યા તે વખતે તમામ બાબતોનું ધ્યાન રખાયું હતું તેવું પણ કમિટીએ નોંધ્યું હોવાનો ખ્યાલ આવ્યો છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર કમિટીએ એ વાતની નોંધ કરી છે કે હોસ્પિટલમાં આગ નિયંત્રણના સાધનો સાબૂત, ચાલું અને પૂરતાં પ્રમાણમાં હતા, પણ સ્ટાફ પાસે તેના ઉપયોગની તાલીમ ન હતી.

આ ઉપરાંત મોડી રાત્રે લગભગ તમામ લોકો સૂઇ રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી અને ખૂબ ઝડપથી પ્રસરી ગઇ. વોર્ડમાં એક દરવાજો હતો તેથી બહાર નિકળવામાં મુશ્કેલી થઇ હતી. કમિટીએ પોતાના તારણોમાં હોસ્પિટલ કે અન્ય મકાનોમાં આગ નિયંત્રણ માટેની એનઓસી, સાધનો, સ્ટાફની તાલીમ અને ચકાસણીની પ્રક્રિયા ચૂસ્ત બનાવવી જોઇએ તેમ પણ કહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

જો કે આ રીપોર્ટ મુખ્યપ્રધાન કક્ષાએથી સમીક્ષા બાદ જ જાહેર કરાશે અને તે પછી જ તેમાંની વધુ વિગતો જાણવા મળશે. નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં બુધવારે મોડી રાત્રે 3 વાગે શોર્ટસર્કિટથી ફાટી નીકળેલી આગમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીના મૃત્યુ થયા હતા. ઘટનાને પગલે સરકારે શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી અને ગૃહ સચિવ સંગીતાસિંઘને તપાસ સોંપી હતી.