(ANI Photo/ IPL Twitter)

આઈપીએલમાં વિતેલા વર્ષોની ધરખમ ટીમ્સ આ વર્ષે હજી સુધી સાવ નિરાશાજનક દેખાવ સાથે પોઈન્ટ્સ ટેબલમાં નીચે, લગભગ તળિયે બેઠેલી હાલતમાં છે, અને ગત વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો દેખાવ કદાચ સૌથી વધુ નિરાશાજનક રહ્યો છે.

સોમવારે હૈદરાબાદ સામેના રોમાંચક મુકાબલામાં છેલ્લી ઓવરમાં લખનૌ વતી જેસન હોલ્ડરે વેધક બોલિંગ કરી ત્રણ વિકેટ ઝડપી લેતાં હૈદરાબાદ માટે લગભગ હાથવેંતમાં આવેલો વિજયનો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. હૈદરાબાદને વિજય માટે ફક્ત 16 રનની જરૂર હતી, તેની ચાર વિકેટ બાકી હતી અને વિજય શક્ય જણાતો હતો પણ જેસન હોલ્ડરે ફક્ત ત્રણ રન આપી ત્રણ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દેતાં લખનૌનો ધમાકેદાર વિજય થયો હતો.

હૈદરાબાદે ટોસ જીતી લખનૌને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું. સુકાની કે. એલ. રાહુલ (68) અને દીપક હુડા (51) એ અડધી સદી કરી ટીમને 7 વિકેટે 169 ના પડકારજનક સ્કોરે પહોંચાડી હતી. લખનૌ તરફથી ત્રણ બોલર્સ – વોશિંગ્ટન સુંદર, રોમારીઓ શેપર્ડ અને ટી. નટરાજને 2-2 વિકેટ લીધી હતી. લખનૌએ છ બોલર્સનો ઉપયોગ કર્યો હતો અને શેપર્ડ 4 ઓવરમાં 42 તથા ઉમરાન મલિક 3 ઓવરમાં 39 રન આપી સૌથી મોંઘા સાબિત થયા હતા.

એ પછી હૈદરાબાદની ઈનિંગમાં કોઈ બેટ્સમેન અડધી સદીએ પહોંચી શક્યો નહોતો, રાહુલ ત્રિપાઠીના 44 અને વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનના 34 મુખ્ય સ્કોર રહ્યા હતા. લખનૌ તરફથી અવેશ ખાને સૌથી વધુ અસરકારક બોલિંગ કરી ચાર ઓવરમાં ફક્ત 24 રન આપી ચાર વિકેટ લીધી હતી, તો જેસન હોલ્ડરે છેલ્લી ઓવરમાં વેધક બોલિંગ દ્વારા વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર અને રોમારીઓ શેપર્ડની વિકેટો ખેરવી બાજી પલ્ટી નાખી હતી. અવેશ ખાનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.