ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવાર, 25મેએ રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વર્તમાન સિઝનની અંતિમ લીગ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સ સામે 83 રનથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં પરાજય થયો હોવા છતાં પ્લે ઓફ માટે ગુજરાત ટાઇટન્સે તેનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે.
પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેની 20 ઓવરમાં પાંચ વિકેટે 230 રનનો સ્કોર ખડો કર્યો હતો જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સનો ધબડકો થયો હતો અને તે 18.3 ઓવરમાં 147 રન કરી શક્યું હતું. આ પરિણામ છતાં ગુજરાત હાલના તબક્કે પોઇન્ટ ટેબલમાં 18 પોઇન્ટ સાથે મોખરે રહ્યું છે.
231 રનના ટારગેટ સામે રમતાં ગુજરાતની ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. કેપ્ટન શુભમન ગિલ ત્રીજી જ ઓવરમાં અંશુલ કંબોજના બોલે 13 રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. જોઝ બટલર અને શેરફેન રૂધરફોર્ડ અનુક્રમે પાંચ અને શૂન્યના સ્કોરે આઉટ થઈ જતાં એક તબક્કે ગુજરાતે પાંચમી ઓવર સુધીમાં 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
શાહરુખ ખાન 19 અને રાશીદ ખાન 12 રન કરી શક્યા હતા. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સે તેનું બોલિંગ આક્રમણ ચુસ્ત બનાવી દીધું હતું. રવીન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ અને નૂર અહેમદની વેધક બોલિંગ સામે સ્થાનિક બેટ્સમેન ખાસ ટકી શકયા ન હતા. નૂર અહેમદે 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અંશુલ કંબોજે 13 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.
ડેવિડ કોનવેએ ચેન્નાઈ માટે શાનદાર પ્રારંભ કર્યો હતો. ખાસ કરીને મ્હાત્રેએ મજબૂત બેટિંગ કરી હતી. મ્હાત્રેએ આ પિચ પર રમવાના પોતાના અનુભવનો લાભ ઉઠાવીને 17 બોલમાં 34 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો.મ્હાત્રે ચોથી ઓવરમાં આઉટ થઈ ગયો હતો પરંતુ કોનવેએ તેની આક્રમક બેટિંગ જારી રાખી હતી. ગુજરાતના ઉર્વિલ પટેલને તેના હોમગ્રાઉન્ડ પર આકર્ષક બેટિંગ કરી હતી. તેણે અમદાવાદની અતિશય ગરમીમાં પણ સ્ટેડિયમમાં હાજર રહેલા પ્રેક્ષકો ખુશ થઈ ગયા હતા.
ઉર્વિલે નાની પણ આક્રમક ઇનિંગ્સ રમીને 19 બોલમાં બે સિક્સર અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના 230 રનના સ્કોરમાં બે અડધી સદીનો સમાવેશ થતો હતો. ડેવિડ કોનવેએ 34 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને 35 બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સર સાથે બાવન રન ફટકાર્યા હતા.ડેવાલ્ડ બ્રાવિસ અને રવીન્દ્ર જાડેજાએ 39 બોલમાં 74 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં જાડેજાનું યોગદાન 18 બોલમાં 21 રનનું રહ્યું હતું જ્યારે બ્રાવિસે ઇનિંગ્સના છેલ્લા બોલે આઉટ થતાં અગાઉ 23 બોલમાં ઝંઝાવાતી 57 રન ફટકારી દીધા હતા. આ સાઉથ આફ્રિકન બેટ્સમેને તેની ઇનિંગ્સમાં પાંચ સિક્સર અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
ગુજરાત ટાઇટન્સ માટે પ્રસિદ્ધ ક્રિષ્ણાએ બે તથા સાઈ કિશોર, રાશીદ ખાન અને શાહરુખ ખાને એક એક વિકેટ લીધી હતી.
