પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની પ્રથમ વખત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 26મે વડોદરા અને ભૂજ ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો. વડોદરાના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારના સભ્યો પણ તેમનું સ્વાગત કરનાર ઉત્સાહી ભીડનો ભાગ હતો. ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી રાજ્યમાં કુલ રૂ.82,950 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે.
મોદીએ ગુજરાતની મુલાકાતની શરૂઆત વડોદરા એરપોર્ટથી શહેરના બહારના વિસ્તારમાં આવેલા એરફોર્સ સ્ટેશન સુધીના રોડ શો સાથે કરી હતી. ‘ઓપરેશન સિંદૂર’ વિશે નિયમિત પ્રેસ બ્રીફિંગ કરવા બદલ ચર્ચામાં આવેલા કર્નલ કુરેશીના પરિવારના સભ્યો પણ વડાપ્રધાનને આવકારવા માટે હાજર રહ્યાં હતાં. કર્નલ કુરેશી વડોદરાના વતની છે, અને તેમના માતા-પિતા, ભાઈ મોહમ્મદ સંજય કુરેશી અને બહેન શાયના સુનસારા, રોડ શોમાં હાજર હતાં.
રોડ શોના રૂટ પર લોકોએ ત્રિરંગો લહેરાવ્યો અને ભારતીય સેના અને વડા પ્રધાનને સમર્થન આપતા સૂત્રોચ્ચાર કર્યા હતાં. રોડ શોમાં ‘સિંદૂર’ના રંગનું પ્રતીક લાલ સાડી પહેરેલી મહિલાઓએ પીએમ મોદી પર ફૂલોની પાંખડીઓ વરસાવી હતી. એરફોર્સ સ્ટેશન પહોંચ્યા પછી વડાપ્રધાન એક જાહેર કાર્યક્રમને સંબોધવા માટે દાહોદ ગયાં હતાં.
દાહોદમાં દેશના પ્રથમ 9,000 હોર્સપાવર લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ
દાહોદમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.24,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. દાહોદ ખાતે વડાપ્રધાને રેલ્વે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લીધી હતી. દાહોદ શહેર નજીક એક જાહેર સભાને સંબોધતા પહેલા દેશના પ્રથમ 9,000 હોર્સપાવર લોકોમોટિવ એન્જિન, 21,405 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ શોપ અને રોલિંગ સ્ટોક વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું હતું. આ લોકોમોટિવ્સ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ્સથી સજ્જ હશે, અને ઊર્જા વપરાશ ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે.
ભૂજમાં રૂ53,41 કરોડના પ્રોજેક્ટ લોન્ચ કર્યા
વડાપ્રધાન કચ્છ જિલ્લાના ભૂજ શહેરમાં પણ રોડ શો કર્યો હતો અને રૂ.૫૩,૪૧૪ કરોડ ૩૩ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સૌર ઉર્જા, પાવર ટ્રાન્સમિશન અને રોડ અને મકાન વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે
મંગળવાર, 27મેએ મોદી ગુજરાત શહેરી વિકાસ ગાથાની 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે અને ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025નું લોન્ચિંગ કરશે.મોદી વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી ગેજ રૂપાંતરિત કટોસણ-કલોલ સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે અને તેના પર એક માલગાડીને લીલી ઝંડી આપશે.
ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ એ મુખ્યપ્રધાન તરીકે મોદી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ હતી જેનો ઉદ્દેશ્ય આયોજિત માળખાગત સુવિધાઓ, બહેતર શાસન અને શહેરી રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરીને ગુજરાતના શહેરી લેન્ડસ્કેપને પરિવર્તન લાવવાનો હતો.તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
