ઇસ્કોનના સ્થાપક-આચાર્ય શ્રીલ પ્રભુપાદના યોગદાનને હાઉસ ઓફ કોમન્સમાં યાદ કરાયું

લંડનના હાઉસ ઓફ કોમન્સ ખાતે હરે કૃષ્ણ મુવમેન્ટ તરીકે ઓળખાતા ઇસ્કોનના સ્થાપક-આચાર્ય એસી પ્રભુપાદ – ભક્તિવેદાંત સ્વામીના માનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તેમની અદ્ભુત જીવનકથા પર આધારિત સૌથી વધુ વેચાતી બાયોગ્રાફી ‘સિંગ, ડાન્સ એન્ડ પ્રે’ની યુકે ટૂરની શ્રેણીનો એક ભાગ હતો.

આખું વિશ્વ શ્રી પ્રભુપાદની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે ત્યારે તેમની યાદમાં વિવિધ પ્રોજેક્ટ દ્વારા ખાસ કરીને બાયોગ્રાફિકલ કાર્ય અને બુક પ્રમોશનલ ટૂર દ્વારા તેમના જીવન, સંદેશ અને યોગદાન વિશે સમકાલીન પ્રેક્ષકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. આ પુસ્તક વિશ્વમાં ભારતના સૌથી મહાન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રાજદૂત શ્રી પ્રભુપાદના સારી રીતે સંશોધિત જીવન રેખાચિત્રનું વર્ણન કરે છે.

આ સંદર્ભે, હાઉસ ઓફ કોમન્સ ખાતે ‘અનટોલ્ડ સ્ટોરી ઓફ એન ઈનક્રેડિબલ સ્પિરિચ્યુઅલ રિવોલ્યુશન’ શીર્ષકથી વિચારપ્રેરક ચર્ચા યોજાઈ હતી. જેમાં પ્રસિદ્ધ વક્તાઓએ વિશ્વભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર અગ્રણી સાંસ્કૃતિક પુનરુજ્જીવનની શ્રી પ્રભુપાદની અજોડ ભેટ પર આંતરદૃષ્ટિ પ્રદાન કરી હતી.

આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી વીરેન્દ્ર શર્મા, શ્રી મધુ પંડિત દાસ, પ્રમુખ, ઇસ્કોન બેંગ્લોર અને અધ્યક્ષ, અક્ષય પાત્ર ફાઉન્ડેશન, શ્રી ચંચલપતિ દાસ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ, ઇસ્કોન બેંગ્લોર અને ઉપાધ્યક્ષ, અક્ષય પાત્ર ફાઉન્ડેશન, ડો. હિંડોલ સેનગુપ્તા, પુસ્તકના લેખક, ઇતિહાસકાર અને ચેવનિંગ વિદ્વાનો હાજર રહ્યા હતા.

આ જીવનચરિત્ર યુકેના ચાલુ પ્રવાસના ભાગરૂપે નેહરુ સેન્ટર, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને શ્રી સ્વામિનારાયણ મંદિર જેવા વિવિધ અગ્રણી સ્થાનો પર પ્રકાશિત કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત મહેમાનો, પ્રોફેસરો, ફિલોસોફરો, પ્રભાવકો, વિદ્યાર્થીઓ, પુસ્તક રસિકો અને અન્યોએ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રવાસ 13 મે, 2023 ના રોજ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમ સાથે સમાપ્ત થશે.

LEAVE A REPLY

ten − five =