Handout via REUTERS

ઇઝરાયેલે શનિવારે ગાઝા પર કરેલા ભીષણ હવાઇ હુમલામાં 90થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા હતા. ઇઝરાયેલના વિમાનોએ બે ઘરોને ટાર્ગેટ બનાવ્યા હતા, જેમાં એક વિશાળ પરિવારના ડઝનબંધ સભ્યોના મોત થયાં હતાં. ઇઝરાયેલી સૈનિકોએ છેલ્લાં અઠવાડિયામાં ગાઝામાં સેંકડો કથિત આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને તેમાંથી 200થી વધુને પૂછપરછ માટે ઇઝરાયેલમાં મોકલ્યા હતાં.

બીજી તરફ યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ગાઝામાં માનવતાવાદી સહાયમાં વધારો કરવાની દરખાસ્ત કરતો એક ઠરાવ પસાર થયો હતો. જોકે તેમાં યુદ્ધવિરામની કોઇ દરખાસ્ત ન હતી. લાંબી વાટાઘાટો અને મતદાનમાં વિલંબ પછી 15 સભ્યોની કાઉન્સિલમાં 13 સભ્યોને આ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. અમેરિકા અને રશિયાએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આર્મીએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો હમાસ અને ઇસ્લામિક જેહાદ સાથે કથિત સંબંધો ધરાવતા 700થી વધુ લોકોને અત્યાર સુધીમાં ઇઝરાયેલના લોકઅપમાં મોકલવામાં આવ્યા છે. હમાસને નેસ્તનાબૂદ કરવા ઇઝરાયેલે છેડેલા યુદ્ધમાં અત્યાર સુધી 20,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને 53,000થી વધુ ઘાયલ થયા છે. યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણમાં વધારો થઈ રહ્યો હોવા છતાં ઇઝરાયેલે બંધકોની મુક્તિ અને હમાસના ખાતમા સુધી યુદ્ધ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી છે.

શુક્રવારે હવાઈ હુમલામાં બે ઘરો ધરાશાયી થયા હતા. તેમાંથી એક ગાઝા શહેરમાં હતું અને બીજું પ્રદેશની મધ્યમાં આવેલા નુસીરાતના શહેરી શરણાર્થી શિબિરમાં હતું. ગાઝા સિટી પરના હુમલામાં અલ-મુગરાબી પરિવારના મહિલા અને બાળકો સહિત 76 સભ્યો માર્યા ગયા હતા. ગાઝાના નાગરિક સંરક્ષણ વિભાગના પ્રવક્તાના પ્રવક્તાએ આ પરિવારના 16 વડાના નામ જાહેર કર્યાં હતા. શુક્રવારે સ્થાનિક ટીવી પત્રકાર મોહમ્મદ ખલીફાના નુસીરાત ઘરને ટાર્ગેટ કરાયું હતું. તેમાં પત્રકાર સહિત ઓછામાં ઓછા 16નો મોત થયા હતા.

LEAVE A REPLY

2 × 1 =