આખી દુનિયા અત્યારે કોરોના વાયરસની રસી શોધવામાં લાગી છે. ત્યારે ઇઝરાયલે કોરોનાની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. ઇઝરાયલના રક્ષામંત્રી નફતાલી બેન્નેટે આ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ડિફેન્સ બાયોલોજિકલ ઇન્સ્ટિટ્યુટે કોરોના વાયરસની રસી વિકસાવી છે. તેમને કોરોના વાયરસના એંટીબોડી તૈયાર કરવામાં સફળતા મળી છે. વધુમાં તેમણે જણાવ્યું કે રસીની શોધ પુરી થઇ છે અને હવે સંશોધકો તેના પેટંટ અને વ્યાપક ઉત્પાદનની તૈયારી કરી રહ્યા છે.

ઇઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના કાર્યકાળ દરમિયાન ખાનગી રીતે ચાલતી ઇઝરાયલ ઇન્સ્ટિટ્યુટ ફોર બાયોલોજિકલ રિસર્ચ સેંટરની મુલાકાત બાદ રક્ષામંત્રીએ આ જાહેરાત કરી છે. નફતાલી બેન્નેટે જણાવ્યું કે આ એંટીબોડી મોનોક્લોનલ રીતે વાયરસ સામે લડશે અને શરીરની અંદર જ તેનો નાશ કરશે.

આ સિવાય તેમણે સંશોધકોની પ્રશંસા પણ કરી અને કહ્યું કે ઇન્સ્ટિટ્યુટના સ્ટાફ પર મને ગર્વ છે, તેમણે ભવ્ય સફળતા મેળવી છે. જો કે રક્ષામંત્રીએ પોતાના નિવેદનમાં એ વાત સ્પષ્ટ નથી કરી કે આ રસીનો ઉપયોગ મનુષ્ય પર થયો છે કે નહીં.તેમણે જણાવ્યા પ્રમાણે હવે આ રસીના પેટંટ મેળવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સાથે જ આગળ હવે સંશોધકો રસીના વ્યાપક ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓનો સંપર્ક કરશે. જો ઇઝરાયલના રક્ષામંત્રીનો આ દાવો સાચો છે, તો કોરોનાનો કેર સહન કરી રહેલી દુનિયા માટે એક આશાનું નવુ કિરણ સામે આવ્યું છે.