ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે રસી તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે અને વર્ષના અંત સુધીમાં રસી તૈયાર થઈ જાય એવી પુરી શક્યતા છે. અમેરિકામાં જ વિવિધ ૧૪ પ્રકારની રસી પર કામ ચાલી રહ્યું છે. અમેરિકામાં રેમડેસિવિઅર દવા પણ વાપરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે એવુ ટ્રમ્પે જણાવ્યુ હતુ. બીજી તરફ યુરોપિયન સંઘની આગેવાનીમાં કેટલાક દેશો મળીને કોરોનાની રસી માટે ૮.૩ અબજ ડૉલરનું તોતીંગ ફંડ એકઠું કરવાની તૈયારીમાં પડયા છે. રસપ્રદ રીતે આ સમુહમાં અમેરિકાનો સમાવેશ કરાયો નથી.

આ દેશોમાં યુરોપિયન સંઘ, જાપાન, સાઉદી અરબ,કેનેડા વગેરેનો સમાવેશ થાય છે. સોમવારે આ માટેની વર્ચ્યુઅલ મિટિંગ મળી હતી. આ સભામાંથી અમેરિકાને કેમ બાકાત રખાયુ તેનું કોઈ કારણ હજુ સુધી રજૂ થયું નથી. અમેરિકાએ પણ આ અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. બીજી તરફ ચીન તત્કાળ રસી બનાવીને જગત પર ફરીથી પ્રભાવ જમાવવાની પેરવીમાં પડયું છે. કોરોનાને કારણે ચીનની પ્રતિષ્ઠાનું ધોવાણ થયું છે. એક તરફ ચીન, એક તરફ આખુ જગત એવા સંજોગો સર્જાયા છે. જગત પર પોતાનો પ્રભાવ વધારવા માટે ચીને હવે કોઈ સારા કામો કરવા અનિવાર્ય છે. એટલે ચીન તત્કાળ રસી તૈયાર કરી પોતાની ભલમનસાઈ દેખાડના ઉત્સુક છે.

એ વાત નક્કી છે કે જે દેશ પહેલી રસી તૈયાર કરશે, તેની જગતમાં વાહવાહી થશે અને દબદબો પણ વધશે. ચીન છેક ડિસેમ્બરથી જ એટલે કે વાઈરસ દેખાયો ત્યારથી જ રસી માટે કામગીરી કરી રહ્યું છે. દુનિયાભરની અનેક ફાર્મા કંપનીઓ અને લેબોરેટરી રસી માટે કામગીરી કરે છે. અમેરિકાએ રસીકરણ પ્રોગ્રામને પ્રાયોરિટી આપી ફાસ્ટ ટ્રેક પ્રોજેક્ટ તરીકે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ ૧૪ રસી તૈયાર થઈ રહી છે, જે આશાસ્પદ ગણાય છે. થોડા દિવસો અગાઉ કુલ ૯૩ રસી તૈયાર થઈ રહી હતી.

એમાંથી હવે ૧૪ રસી એવી જણાય છે કે જે કદાચ અસરકારક સાબિત થઈ શકે. આ સમગ્ર કાર્યક્રમને ઓપરેશન રેપ સ્પીડ નામ આપવામાં આવ્યું છે. આગામી બે અઠવાડિયામાં આ ૧૪ પૈકી ઘણી ખરી રસી ટ્રાયલના તબક્કે પહોંચી જાય એવી શક્યતા છે. બીજી તરફ કેટલાક વૈશ્વિક નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાની રસી કદાચ ન પણ તૈયાર થઈ શકે. જે રીતે ડેન્ગ્યુ, એચઆઈવી, જેવા અમુક રોગોની રસી વર્ષો પછી પણ તૈયાર નથી થઈ શકી. એ રીતે કોરોનાની પણ રસી કદાચ ક્યારેય ન તૈયાર થઈ શકે.