પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રો સહિતની ભારતની ટોચની આઇટી કંપનીઓ વધતી માગને પહોંચી વળવા આ વર્ષે મોટાપાયે ભરતી કરે તેવી શક્યતા છે. બિઝનેસમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવવા માટે ક્લાયન્ટના પ્રોજેક્ટ્સમાં કામ કરી શકે તેવા લોકોની ભરતી કરવામાં આવશે.

ટીસીએસે આ વર્ષે કેમ્પસમાંથી આશરે 40,000 લોકોની ભરતી કરવાની યોજના બનાવી છે. ઇન્ફોસિસ પણ 25,000ની ભરતી કરે તેવી શક્યતા છે. વિપ્રોએ હજુ તેની યોજના જાહેર કરી નથી, પરંતુ કંપનીએ જણાવ્યું હતું કે તે ગયા વર્ષ કરતાં વધુ લોકોની ભરતી કરશે.

ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસિસ, એચસીએલ અને ટેક મહિન્દ્રા સહિતની ભારતની ટોચની પાંચ કંપનીઓને ટ્રેક કરતાં એનાલિસ્ટ્સે જણાવ્યું હતું કે આ કંપનીઓ આ વર્ષે 110,000 લોકોની ભરતી કરશે. ગયા વર્ષે કંપનીઓએ 90,000 લોકોની ભરતી કરી હતી.

2020-21ના કોરોનાગ્રસ્ત નાણાકીય વર્ષમાં ભારતની ટોચની આઇટી કંપનીઓએ 72,000 લોકોની ભરતી કરી હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં 44 ટકા વધુ છે. ટીસીએસે 40,005 લોકોની ભરતી કરી હતી, જયારે ઇન્ફોસિસે 14,826 લોકોની ભરતી કરી હતી.