Michal Howarde

ટોરી પીઅર લોર્ડ રેમી રેન્જરે તેમની કંપની સન માર્કમાં કામ કરતી સ્ત્રી કર્મચારીએ કરેલા પીડિત કરવાના અને પજવણીના આરોપોને નકારી દઇ દાવો કર્યો હતો કે ગુપ્ત રીતે તેમની ટેલિફોનીક વાતચીત રેકોર્ડ કરતાં પહેલાં તે મહિલાએ તેમને જાણી જોઈને ઉશ્કેર્યા હતા.

એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ગયા મંગળવારે તા. 13ના રોજ ચુકાદો આપ્યો હતો કે લોર્ડ રેમી રેન્જરે તેમની સન માર્ક કંપનીમાં કામ કરતી કર્મચારી સાથે ટેલિફોન પર વાત કરતી વખતે “ભેદભાવ” કર્યો હતો. ‘મીસ એ’ તરીકે ઓળખાતી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સન માર્કના એક મેનેજરે તેના પર હુમલો કર્યો હતો અને તેને આત્મહત્યા કરવા વિચારવા માટે દોરી હતી.

તેણીએ લૉર્ડ રેન્જરને ફોન કરી 2018માં થયેલા ત્રાસની જાણકારી આપી હતી પરંતુ પીઅરે કથિત રીતે “પોતાની સ્વસ્થતા (કમ્પોઝર) ગુમાવી હતી અને તેનું અપમાન કર્યું” હતું. રેકોર્ડ કરાયેલા ફોન કૉલના ભાગો (જે મુખ્યત્વે પંજાબીમાં હતા) સપ્ટેમ્બરમાં વૉટફર્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં સંભળાવવામાં આવ્યા હતા, જેમાં લોર્ડ રેન્જરને મહિલાને જૂઠ્ઠી કહેતા અને તેના માતાપિતાનું સન્માન બગાડતી હોવાના આક્ષેપ કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કંપની સન માર્કના સ્થાપક એવા 73 વર્ષીય ઉદ્યોગપતિએ તેમની સામેના તમામ દાવાઓને ભારપૂર્વક નકારી દીધા છે. તેમને અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સન માર્ક દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘’તેઓ માને છે કે આ કૉલ ફસાવી દેવા કરાયો હતો અને ટ્રિબ્યુનલે મહિલાને “અતિશયોક્તિપૂર્ણ બાબતો” કરતી હોવાનું જોયું હતુ.

સનમાર્કના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ટ્રિબ્યુનલ સંમત થઇ હતી કે દાવેદારના અનુવાદક દ્વારા તેમને દોષિત ઠેરવવા જણાવાયેલા ઘણા શબ્દો કદી કહેવાયા જ નહોતા, પરંતુ ટ્રાઇબ્યુનલે એ વાત વ્યાજબી રીતે ધ્યાનમાં લીધી નહોતી કે આ કોલ ગુપ્ત રીતે કર્યો હતો અને માત્ર તેટલો જ ભાગ રેકોર્ડ કરાયો હતો જેમાં અમારા ચેરમેનનું અપમાન કરી ઉશ્કેરણી કરવામાં આવી હતી.

ધ એમ્પલોયમેન્ટ અપીલ ટ્રિબ્યુનલે (ઇએટી)એ અપીલ મંજૂર કરી છે અને અમારા અધ્યક્ષ વિરુદ્ધના તારણોના સંબંધમાં સંપૂર્ણ સુનાવણી આગળ વધારવા માટે મજબૂત કારણો છે. અમારું માનવું છે કે ‘મીસ એ’ ચાલાકી કરી, લોર્ડ રેન્જર અને સન માર્ક લિમિટેડ પાસેથી નાણાંકીય લાભ સુરક્ષિત કરવા ખોટા આક્ષેપો કર્યા હતા.”

સન માર્કના કહેવા મુજબ, ‘મીસ એ’એ જાન્યુઆરી 2018થી ઓક્ટોબર 2018 સુધી કંપનીમાં નોકરી કરી હતી અને ઓક્ટોબરમાં આક્ષેપો કરી લાંબા ગાળાની માંદગીની રજા પર ગયા હતા.

સન માર્કે જણાવ્યું હતું કે ‘’તેમણે કરેલા જાતીય સતામણીના આરોપો કંપનીએ “ખૂબ ગંભીરતાથી” લીધાં છે અને સ્ટાફના અન્ય સભ્યોની મુલાકાત ઉપરાંત સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી સંપૂર્ણ આંતરિક તપાસ હાથ ધરી છે. જેમાં તેમણે નિષ્કર્ષ કાઢ્યો હતો કે તે દાવાઓમાં કોઇ મેરીટ્સ નથી, અને તેને ટેકો આપવા માટે કોઈ સહકારી પુરાવા અથવા સાક્ષીઓ નથી. કંપની, અધ્યક્ષ અને ડિરેક્ટર્સ એમ્પ્લોયર તરીકેની તેમની જવાબદારીઓને ખૂબ જ ગંભીરતાથી લે છે; અમે કાર્યસ્થળમાં કોઈપણ પ્રકારની હેરાનગતીને સ્વીકારતા નથી, અને જો ચિંતા માટે કોઈ કારણ હોય તો અમે યોગ્ય પગલાં લઈએ છીએ.”

ચુકાદાના જવાબમાં પ્રવક્તાએ ઉમેર્યું હતું કે “લોર્ડ રેન્જર ક્યારેય પણ મહિલાઓનું અપમાન કરતા નથી; એક સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ તરીકે, લોર્ડ રેન્જરે તેમની માતાના સંઘર્ષો અને તેણીએ જીવનભર આપેલા બલિદાનો અને સ્ત્રી તરીકેનો પૂર્વગ્રહ જોયો છે. લોર્ડ રેન્જરએ વૈશ્વિક સ્તરે મહિલા સશક્તિકરણને ટેકો આપવાનું અને આવી સખાવતી સંસ્થાઓ અને કારણોને આર્થિક ટેકો આપવા માટે લક્ષ્ય બનાવ્યું છે.’’