પૂ. મોરારિબાપુ

‘રામચરિતમાનસ’ને આધારે આપણે આ કથામાં ‘માનસ-કામદર્શન’ની સંવાદી ચર્ચા કરી રહ્યાં છીએ. અહીં વિચાર નથી,અનુભવ પ્રસ્તુત થઈ રહ્યો છે; જીવનનું સત્ય પ્રસ્તુત થઈ રહ્યું છે. ઉપદેશમાં કહેવામાં આવે છે કે નિષ્કામ થઈ જાઓ; આજના ચિંતકોએ વધારે અતિરેક કરીને કહ્યું કે ખૂબ જ બોગવી લો; એ બંને અસફળ છે. નિષ્કામ થવું આસાન છે, ખૂબ ભોગવવું આસાન છે પરંતુ સમ્યક્ રહેવું બહુ મુશકેલ છે. અને ‘માનસ’નું કામદર્શન એમ કહે છે કે વચ્ચે રહીને જીવો. તુલસીદાસજી કહે છે કે વિષયનો તમે જેટલો ભોગ કરશો એટલો કામ વધતો જ જાય છે. જેવી રીતે અગ્નિમાં ઘી નાખીએ તો અગ્નિ વધારે ભડકે છે. જીવનનું સત્ય સમજવું જોઈએ. સાચી કસોટી વચ્ચે રહેવામાં છે.

‘માનસ’ની એક પંક્તિ હું આ સંદર્ભમાં તમને કહેવા માગું છું અને એ જીવનનું સત્ય છે. ભગવાન રામ વનવાસ દરમ્યાન ચિત્રકૂટ જતા પહેલાં વાલ્મીકિ આશ્રમમાં ગયા ત્યારે વાલ્મીકિજીને પ્રશ્ન પૂછે છે કે ‘ભગવન્! હવે હું ક્યાં રહું, મને એવી કોઈ જગ્યા બતાવો.’ વાલ્મીકિજી વિજ્ઞાન વિશારદ છે; પહોંચેલા મહાપુરુષ છે. એમણે ચૌદ સ્થાન બતાવ્યાં. એમાંનું એક સ્થાન આ છે-

काम कोह मद मान न मोहा | लोभ न छोभ न राग न द्रोहा ||

મારાં ભાઈ-બહેનો,‘ગીતાપ્રેસ’નું ભાષાંતર વાંચો; ‘વ્યંકટેશપ્રેસ’નું ભાષાંતર વાંચો; અને એ સાચું પણ છે; શું અર્થ થાય છે આનો? ‘જેમના હૃદયમાં કામાદિ દોષ ન હોય, એમના વશમાં આપ કાયમ રહો.’ તો આ પંક્તિનો અર્થ એવો થઈ ગયો કે કામ હૃદયમાં ન હોય તો જ ભગવાન વશમાં આવે. એ સાચો અર્થ છે; હવે એનો વિશેષ અને ગુરુમુખી અર્થ સાંભળો. શું કહે છે? કામાદિ દોષ ન હોય એવી વાત નથી; કામાદિ દોષ ભલે હોય પરંતુ એનો મદ અને દંભ જેનામાં ન હોય એમને આધીન તમે થાઓ.

હું તમને પૂછું, શું જીવનમાં કામ જરૂરી નથી? મેં કાલે પણ કહ્યું, કૃષ્ણએ ધર્મસ્થાપના કરી, રામે સેતુસ્થાપના કરી અને મહાદેવે કામસ્થાપના કરી. જીવનમાં કામ જરૂરી છે. જીવનમાં ક્રોધ જરૂરી છે. ન હોય તો ઠીક છે, પરંતુ એવું તો માત્ર કહેવામાં આવે છે. સમુદ્ર સામે ઠાકુરે ક્રોધ નથી કર્યો? ક્રોધ જરૂરી નથી? આપણા જેવા સંસારીઓ માટે આ ચર્ચા છે, મહાત્માઓ માટે નથી. ઘાસની માફક જે વિનમ્રતાથી ઝૂકી જશે એને કોઈ નદીના પૂરરૂપી કામાદિ આવેગ તાણી નહીં જઈ શકે. જીવનના સત્યને આટલી વિનમ્રતાથી સ્વીકારવું જોઈએ. કામરસ સુધી જ અટકી જવાનું નથી. તુલસીએ પોતાની યાત્રા સમ્યક્ કામથી શરૂ કરી છે. ‘માનસ’માં એક શબ્દ ત્રણ વાર આવ્યો છે, ‘દીપશિખા.’ એક વાર જાનકીજીના સંદર્ભમાં-

सुंदरता कहुँ सुंदर करई | छबिगृह दीपशिखा जनु बरई ||

બીજી વાર-
दीप सिखा सम जुबति तन मन जनि होसि पतंग |

અને ત્રીજી વાર ‘ઉત્તરકાંડ’ના ‘જ્ઞાનદીપ’માં. હવે, તમે એક દીવો લો, એમાં બે વસ્તુ છે; દાહકતા પણ છે અને પ્રકાશ પણ છે. કામ દીપશિખા જેવો છે; એમાં દાહકતા પણ છે અને પ્રકાશ પણ છે. આપણે કયા પક્ષને લઈએ છીએ એના પર આપણું પતન અને ઉત્થાન ડિપેન્ડ છે. દાહકતા લીધી તો ગયા! પ્રકાશ લીધો તો રામ સુધી ગયા. તુલસી કામથી રામ,રામથી આરામ, આરામથી વિશ્રામ, વિશ્રામથી પરમ વિશ્રામ અને પરમ વિશ્રામથી ફરી રામ સુધી ગયા; ‘राम समान प्रभु नाहीं कहूं |’ એ સાઈકલ ચાલી. જીવનનું સત્ય આ છે. આપણા જેવાના જીવનમાં વાત, પિત્ત, કફ શરીર માટે જરૂરી છે; એનો અતિરેક માણસને બીમાર કરી દે છે. સમ્યક્તા બહુ જ આવશ્યક છે.

તો, જીવનનું સત્ય આ જ છે. કોઈ પૂર્ણ નિષ્કામ થઈ જાય તો એનો મહિમા તો વેદ પણ નહીં ગાઈ શકે. કોઈ પૂરેપૂરું ભોગવીને તૃપ્ત થઈ જાય; એમને મુબારક. પરંતુ આ તો આપણા જેવાની ચર્ચા છે.આપણા માટે સમ્યક્ થવું જરૂરી છે. એટલે હું પ્રાર્થના કરું, મનથી કથા સાંભળશો તો રસ મળશે, મનોરંજન પણ મળશે; પરંતુ માત્ર મનથી જ કથા ન સાંભળવી; બુદ્ધિથી સાંભળશો તો વિવેક પ્રાપ્ત થશે. કામ સાથે કેવો વિવેક? ક્રોધ સાથે કેવો વિવેક? આપણા બાળકો ઉચ્છૃંખલ ન થઈ જાય એટલા માટે જીવનમાં ક્યારેક-ક્યારેક નકલી ક્રોધ પણ જરૂરી છે. થોડો ડર આશ્રિતને વિશેષ સ્વતંત્રતા આપે છે. આ સંસારને ચલાવવા માટે કામ આવશ્યક છે. તમારી પેઢીની સુરક્ષા માટે થોડો સંગ્રહ જરૂરી નથી? ઈમાનદારીથી કહેજો. અલબત્ત, વધારે સંગ્રહ સારો નથી.

તુલસીદાસજી જીવનનું સત્ય બતાવે છે કે કામ આપણા શરીરનો વાત છે,ક્રોધ પિત્ત છે અને લોભ કફ છે; ત્રણેયની જરૂર છે. નિષ્કામપણું ઔષધિ હશે, કાયમી ઉપાય નથી; કાયમી ઉપાય છે સમ્યક્તા. એટલા માટે બુદ્ધિથી સાંભળો, વિવેક આવશે; મનથી સાંભળો, રસ આવશે; ચિત્તથી સાંભળો,અંદર યોગ સધાશે; અને અહંકારથી સાંભળો, પરંતુ પાકા અહંકારથી સાંભળવું. વિશ્વનો પાકો અહંકાર મહાદેવ છે; એટલે અહંકારથી સાંભળશો તો પણ તમે કૃતકૃત્ય થઈ જશો કે શંકરની ગોદમાં બેસીને સાંભળી રહ્યા છીએ.

સંકલન :જયદેવ માંકડ
(માનસ-કામદર્શન,૨૦૧૪)

LEAVE A REPLY

eleven − three =