ભારતની જાણીતી આઈટીસી લિમિટેડ કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, તે તેનો હોટેલ બિઝનેસ અલગ કરશે અને આઈટીસી હોટેલ્સ લિમિટેડ નામની સંપૂર્ણ સબસિડિયરી કંપની બનાવશે. તેના કારણે કંપની યોગ્ય રોકાણકારોને અને સ્ટ્રેટજિક પાર્ટનર્સને આકર્ષી શકશે. કંપનીએ જણાવ્યું હતું કે, હોટેલ બિઝનેસ હવે વૃદ્ધિ પામી રહ્યો છે.

આઈટીસીએ રેગ્યૂલેટરી ફાઈલિંગમાં કહ્યું હતું કે ‘કંપનીના બોર્ડની 24 જુલાઈએ મીટિંગ મળી હતી જેમાં હોટેલ બિઝનેસ માટેના વિવિધ વૈકલ્પિક સ્ટ્રક્ચર્સ વિશે સમીક્ષા કરીને હોટેલ બિઝનેસને અલગ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.’ બોર્ડે આઈટીસી હોટેલ્સ લિમિટેડ નામની સબસિડરી સ્થાપવાની મંજૂરી આપી છે જે હોટેલ અને હોસ્પિટાલિટી બિઝનેસનું સંચાલન કરશે. આઈટીસીએ કહ્યું હતું કે હોટેલ સબસિડરીમાં તે 40 ટકા જેવો હિસ્સો રાખશે અને બાકીનો 60 ટકા હિસ્સો આઈટીસીના શેરધારકો તેમના શેરહોલ્ડિંગના પ્રમાણમાં જ રાખશે. સ્કીમ ઓફ એરેન્જમેન્ટને બોર્ડની 14 ઓગસ્ટે મળનારી મીટિંગમાં મંજૂરી માટે મૂકવામાં આવશે.

આઈટીસી લિમિટેડના ચેરમેન સંજીવ પુરીએ કહ્યું હતું કે, હોસ્પિટાલિટી પર જ ધ્યાન કેન્દ્રિત કરતી કંપની સ્થાપવાથી હવે પછીના વૃદ્ધિની એક દિશા મળશે અને વેલ્યૂ ક્રિએટ થશે કારણ કે દેશમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી ઝડપથી વૃદ્ધિ કરી રહી છે. ઈન્સ્ટિટ્યૂશનલ સિનર્જીને કારણે બન્ને કંપનીઓને ફાયદો થશે. ડિમર્જરને કારણે હોસ્પિટાલિટી સેક્ટરના યોગ્ય રોકાણકારો અને સ્ટ્રેટજિક પાર્ટનર્સને નવી એન્ટિટીમાં રોકાણ માટે આકર્ષી શકાશે. આઈટીસી હોટેલ્સની સ્થાપના 1975માં દેશની પ્રીમિયમ લક્ઝુરીયસ હોટેલ્સ ચેઈન તરીકે થઈ હતી જે આજે દેશમાં 70થી વધુ શહેરોમાં 120 હોટેલ અને 11,600 રૂમ ધરાવે છે.

LEAVE A REPLY

three × 3 =