) (Photo by VALERIE MACON/AFP via Getty Images)

ઇયાન ફ્લેમિંગના જેમ્સ બોન્ડની ફિલ્મોનો ચાહકવર્ગ સમગ્ર વિશ્વમાં પથરાયેલો છે. “The name’s Bond, James Bond” એ જેમ્સ બોન્ડની ફિલ્મોનો સૌથી જાણીતો ડાયલોગ છે. આ ડાયલોગ હાલ ગુજરાતી ભાષામાં નામ છે જેમ્સ બોન્ડ તરીકે વાયરલ થયો છે.. જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ નો ટાઇમ ટુ ડાયનું ગુજરાતી ટ્રેલર હાલ સોશ્યલ મિડિયા પર અત્યંત લોકપ્રિય બન્યું છે. ગુજરાતી ભાષામાં ડબ થનારી જેમ્સ બોન્ડની આ પહેલી ફિલ્મ છે.

કોરોના મહામારીને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ ઠેલાતી રહી હતી. હવે જ્યારે તે રિલીઝ થઇ રહી છે ત્યારે તે ફિલ્મ જોવા માટે ચાહકો આતુર છે. આ ફિલ્મના નિર્માતા યુનિવર્સલ પિકચર્સે ઇંગ્લીશ અને હિન્દી ઉપરાંત આ વખતે ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રજૂ કરવાની જાહેરાત કરીને જેમ્સ બોન્ડના ગુજરાતી ચાહકોને ખુશ કરી દીધાં છે.
રસપ્રદ બાબત તો એ છે કે જેમ્સ બોન્ડની આ ફિલ્મ અમેરિકામાં રિલિઝ થવાના એક સપ્તાહ પૂર્વે જ ભારતમાં રજૂ થઇ જશે. આ ફિલ્મને 30 સપ્ટેમ્બરના રોજ ભારતમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ આમ યુકેની સાથે સાથે જ ભારતમાં રિલિઝ થશે.

જેમ્સ બોન્ડ સિરિઝની આ 25મી ફિલ્મ છે અને જેમ્સ બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગની આ આખરી ફિલ્મ હોવાથી તેના ચાહકો આ ફિલ્મ જોવા માટે તલપાપડ થઇ રહ્યા છે. અભિનેતા ડેનિયલ ક્રેગની જેમ્સ બોન્ડ તરીકે આ આખરી ફિલ્મ હોવાથી જેમ્સ બોન્ડની ફિલ્મના નિર્માતાઓએ બીઇંગ જેમ્સ બોન્ડ જર્ની નામની 45 મિનિટની શોર્ટ ફિલ્મ પણ બનાવી છે. આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગને જેમ્સ બોન્ડ તરીકે ચમકાવતી ફિલ્મો ક્વોન્ટમ ઓફ સોલાસ, કેસિનો રાયલ, સ્કાયફોલ, સ્પેકટ્રમ વગેરેના અંશો તથા નિર્માતાઓ બાર્બરા બ્રોકોલી અને માઇકલ જી.વિલ્સન સાથે ડેનિયલ ક્રેગે કરેલી ચર્ચાઓ પણ સામેલ કરવામાં આવી છે.