ફાઇલ ફોટો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (સેન્ટર), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (ડાબી બાજુ) અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે વિજયનો સંકેત આપ્યો હતો. (PTI Photo)

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક ટેન્ટ સીટી બે ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક બીજી સપ્ટેમ્બરના રોજ રાત્રે પૂર્ણ થઈ હતી. કારોબારી બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. પાટીલે ગુજરાતની ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી મુદ્દે જણાવ્યું હતું કે હવે અમે ઈલેક્શન મોડમાં આવી ગયા છીએ અને ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ બેઠકો જીતવાનો અમારો લક્ષ્યાંક છે. કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને બચાવવા માટે કરેલી કામગીરી બાબતે અભિનંદન પ્રસ્તાવ અને એક રાજકીય પ્રસ્તાવ પણ કારોબારી બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ દ્વારા કારોબારીમાં ભાગ લેનાર તમામને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા.

આવનારા સમયમાં રાજ્યના તાલુકા-જિલ્લા પંચાયત સહિત અન્ય ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારો મળી કુલ ૧૦,૦૦૦ ટેબ્લેટ આપવામાં આવશે.એ ટેબ્લેટ દ્વારા આંગળીના ટેરવે દેશની વિવિધ યોજનાઓ, દેશ માટે લોકોએ ભજવેલી ભૂમિકાઓ વિશેની માહિતી મેળવી શકશે, સાથે સાથે મતદાર યાદી પણ એમાં સામેલ કરાઈ છે.

આગામી સમયમાં ભાજપના હોદ્દેદારો વિવિધ વિસ્તારનો પ્રવાસ કરી વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોની જવાબદારીઓ નક્કી કરશે.વિધાનસભા ચૂંટણીને હવે માત્ર સવા વર્ષ બાકી છે ત્યારે આજથી જ અમે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.