(ANI Photo)

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો મળશે અને અહીં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીસભામાં મોદીએ કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો પર જોરદાર પ્રહાર કર્યાં હતાં.

મોદીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો કહેતા હતાં કે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવશો તો આગ લાગશે, જમ્મુ-કાશ્મીર આપણને છોડી દેશે. પરંતુ જમ્મુ-કાશ્મીરના યુવાનોએ તેમને અરીસો બતાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના લોકોને તેમની વાસ્તવિકતા ખબર પડી ગઈ છે. આ લોકો હવે જમ્મુ-કાશ્મીરની બહાર દેશના લોકોમાં ભ્રમ ફેલાવવાની રમત રમી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે કલમ 370 નાબૂદ થવાથી દેશને કોઈ ફાયદો થયો નથી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ જગ્યા પર હવે રસ્તા, વીજળી, પાણી, પ્રવાસ બધું છે. જમ્મુ-કાશ્મીર હવે નિરાશામાંથી આશા તરફ આગળ વધ્યું છે.આ એવી પહેલી ચૂંટણી છે જ્યાં આતંકવાદ, અલગતાવાદ, પથ્થરમારો, બંધ, હડતાલ, સરહદ પારથી ગોળીબાર ચૂંટણીના મુદ્દા રહ્યાં નથી. કાશ્મીરની પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે.

મોદીએ કહ્યું હતું કે હવે જમ્મુ-કાશ્મીરમાં શાળાઓને સળગાવવામાં નથી આવતી, પરંતુ શણગારવામાં આવે છે. અહીં એક AIIMS પણ બની રહી છે, IIT બની રહી છે, IIM પણ બની રહી છે. જમ્મુ-કાશ્મીરમાં હવે આધુનિક ટનલ, આધુનિક પહોળા રસ્તા, ઉત્તમ રેલ યાત્રા આવી ગયા છે. આ ચૂંટણી માત્ર સાંસદોને ચૂંટવાની નથી, પરંતુ દેશમાં મજબૂત સરકાર બનાવવાની ચૂંટણી છે. સરકાર મજબૂત હોય છે ત્યારે તે પડકારો વચ્ચે પણ સારું પ્રદર્શન કરે છે.

 

LEAVE A REPLY

two × four =