જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર શનિવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વાકાયામા શહેરમાં જાહેર સભામાં પ્રવચન દરમિયાન એક વ્યક્તિએ તેમના પર પાઇપ બોમ્બ ફેંક્યો હતો. જોકે, બોમ્બ વિસ્ફોટ થાય ત્યાં સુધીમાં તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કહેવાય છે કે જ્યાં સભા હતી ત્યાંથી કિશિદાને એસ્કોર્ટ કરવામાં આવ્યા પછી જ મોટો ધડાકો સંભળાયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિશિદાને સાંભળવા આવેલા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓએ પણ હુમલાખોરને જમીન પર પછાડીને તેને પકડ્યો હતો. કહેવાય છે કે, આ ઘટનામાં વડાપ્રધાનને કોઈ ઈજા થઈ નથી. તેઓ તેમના લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એક સભામાં પ્રચાર કરવા આવ્યા હતા.













