હિન્દુ ધર્મમાં સન્યાસ આશ્રમની વ્યવસ્થા લાખ્ખો વર્ષો જુની છે. પરંતુ અનુપમ મિશનના ભગવા વસ્ત્રોવાળા નહિં પણ ભગવા હ્રદયવાળા સંતો દ્વારા સાચા અર્થમાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિ લાવવામાં આવી છે. અનુપમ મિશનના ભગવા હ્રદયવાળા સન્યાસીઓ દ્વારા ઘાર્મિક સત્સંગની પ્રવૃત્તિ સાથે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ચારિત્ર્ય ઘડતરની સેવાઓ કરાય છે. યુકેમાં વસતા હિન્દુ સમુદાયના લોકો માટે આવું જ એક વિરાટ કાર્ય પર્પઝબિલ્ટ હિન્દુ સ્મશાનગૃહ – ઑમ ક્રેમેટોરિયમની રચના કરવાનું છે.

અનુપમ મિશનના આધ્યાત્મિક વડા પ. પૂ. જશભાઇ સાહેબજીએ ઑમ ક્રેમેટોરિયમ વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘’આ કાર્યને પાર પાડવા બદલ લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જીતેશ ગઢીયા, એમપી બોબ બ્લેકમેન, પૂ. સતીશભાઇ ચતવાણી તથા સમગ્ર પ્રોજેક્ટનું સંકલન કરનાર ભાવિષાબેન ટેલર સહિત સૌના અને ઋણી છીએ. (સવિસ્તર માહિતી અન્ય અહેવાલમાં છે)  હિન્દુ ક્રિમેટોરિમ માટે £10-12 મિલિયનનો ખર્ચો થશે પરંતુ અમને આશા છે કે આપણા સમુદાયના ઉદાર દાન, સરકારની ગ્રાન્ટ અને લોન મેળવીને અમે આ કાર્યને પાર પાડી શકીશું. પૂ. ભૂપેન્દ્રભાઇ પંડ્યાએ આ સમાચાર મળતાં ક્રિમેટરિયમ માટે “શ્રીમદ ભાગવત કથા” માટે પધારવાનું વચન આપ્યું છે. આ કથા રવિવાર 14મી ઓગસ્ટથી શનિવાર 20મી ઓગસ્ટ સુધી રોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી અનુપમ મિશન ખાતે સાંભળી શકાશે. અમને પ્રોજેક્ટમાં દાન આપવા ઘણાં મંદિરો, સંસ્થાઓ અને વેપારી-ઉદ્યોગપતિઓએ ખાતરી આપી છે.’’

પૂ. સાહેબ દાદાએ જણાવ્યું હતું કે ‘’કોરોના રોગચાળા વખતે મિશન દ્વારા ગીરના જંગલો તેમજ મુંબઇના ડબ્બાવાળાઓ સુધી ગ્રોસરી મોકલી હતી. અમે હોસ્પિટલ્સના બિલ્સ માટે મદદ કરી હતી. તો વિદ્યાર્થીઓ માટે ફીઝ ભરી હતી. લોકોને નોકરીઓ ન મળતા આર્થિક મદદ કરી હતી. કોવિડ રોગચાળામાં દેહાંત પામેલા દિવંગત લોકો માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ.’’

પૂ. દાદાએ જણાવ્યું હતું કે ‘’શ્રીમદ ભાગવત કથા શ્રેષ્ઠ છે. તેને નિયમીત વાંચવાથી અને તેનુ પાલન કરવાથી મનને શાંતિ મળે છે અને આકરા આઘાતો સામે જીવવાનું બળ મળે છે. બાળકોને સાચા સંસ્કાર આપવા માટે માબાપે પહેલા જાતે સત્કાર્યો કરવા પડશે. પૂ. યોગીબાપાએ કહ્યું હતું કે માબાપ એ સંસ્કારોની શાળા છે.  માબાપે પહેલા પોતે સારી બાબતોને અનુસરવી પડશે. મા બાપના જીવનનો પ્રભાવ બાળકો પર પડે છે. માતા પિતાનું જીવન જો સંવાદિત હશે તો બાળકો તેમને 100 ટકા અનુસરશે. માબાપે પોતે જે ન કરી શક્યા હોય તેવા સ્વપ્ના બાળક પાસે પૂરા કરાવવા માટે કદી પણ પોતાના બાળકની આહુતિ આપવી જોઇએ નહિં.‘’

પૂ. દાદાએ જણાવ્યું હતું કે ‘’સંસ્થાના સંત ડૉ. મનોજભાઇ એમએસ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર હતા ત્યારે તેમની વ્યસ્તતાના કારણે તેમના માસુમ પુત્રને સમય ફાળવી શકતા ન હતા. તેમના પુત્રએ જણાવ્યું હતું કે ‘’હું કદી તમારા જેવા માતા પિતા નહિં થાઉં. તમે જુઓ આ ગાર્ડનમાં બધા બાળકો તેમના મા-બાપ સાથે આવે છે. જ્યારે હું એકલો જ પટાવાળા સાથે ગાર્ડનમાં જાઉં છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી ટર્મ માટે કહેતા ડો. સોનીએ પોતાની તકલીફની રજૂઆત કરતા મોદીજીએ તેમની વરણી ઑપન યુનિવર્સિટીમાં કરી હતી. બાળકોના ઉછેર અને તેઓ ગુજરાતી કે માતૃભાષા બોલે તે માટે દાદા-દાદીની ઘરમાં જરૂર હોય તે ખાસ આવશ્યક છે. જો ભાષા છૂટશે તો પરિવાર તૂટશે. જો વડિલો હશે તો પરિવારો બચશે નહિં તો બધુ જ જતું રહેશે.‘’

પૂ. દાદાએ જણાવ્યું હતું કે ‘’અહિં ડેન્હામ ખાતે દર શનિ-રવિવારે બાળકો આવે છે, જેમને ગુજરાતી ભાષાનું જ્ઞાન અપાય છે, તેઓ રમત ગમત રમે છે. સેવા અને વોલંટીયરીંગ કરે છે. અમે કોઇ નાત જાતમાં માનતા નથી પણ તેઓ કુસંગ કે વ્યસન ન કરે તે ખૂબ જ જરૂરી છે.’’

પૂ. દાદાએ અનુપમ મિશન ખાતે બંધાયેલા નવા હોલનો લગ્ન, સગાઇ, બર્થ-ડે પાર્ટીઓ, પ્રાર્થના સભા, સિવિલ મેરેજ સહિત વિવિધ પ્રસંગો માટે લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ હોલ ઉપરાંત અહિં કિચન, કાર પાર્ક તેમજ અન્ય વ્યવ્સથા કરવામાં આવી છે. મંદિરના મહંત પૂ. હિંમત સ્વામી પોતે મેરેજ રજીસ્ટ્રાર તરીકે સેવાઓ આપે છે.’’

ક્રિમેટોરિયમ પ્રોજ્ક્ટનું સંકલન કરતા ભાવિષાબેને જણાવ્યું હતું કે ‘’મારી યાત્રા પૂ. દાદાના માર્ગદર્શન હેઠળ શરૂ થઇ હતી, જેમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી. પરંતુ સાહેબ દાદાની અમી દ્રષ્ટી હતી જેથી આ અકલ્પનીય પ્રોજેક્ટને મંજૂરી મળી હતી.’’

પૂ. મનોજભાઇ સોનીએ જણાવ્યું હતું કે ‘’પૂ. સાહેબજી પર તેમના ગુરૂ પૂ. યોગી સ્વામીના આશીર્વાદ છે.  એક પત્રમાં તો પૂ. બાપાએ સાફ સાફ લખ્યું હતું કે ‘’હે જશભાઇ સાહેબ, તમે સ્વામી (શાસ્ત્રીજી મહારાજ)ના લાડીલા છો. તો તમે જે ધારશો તે થાશે.’’ આ આશિર્વાદના કારણે સાહેબજી જે પ્રોજક્ટ હાથમાં લે છે તે પૂરો થાય છે. તેને કારણે જ તો ગ્રીનબેલ્ટની જમીન પર મંજૂરી મળી છે અને હવે ત્યાં ક્રિમેટોરીયમ ઉભુ થવા જઇ રહ્યું છે. સાહેબ દાદા જે પ્રોજેક્ટનો સંકલ્પ કરે છે તે સાકાર થાય જ છે.’’

વધુ માહિતી માટે સંપર્ક: Email: [email protected]