(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત તેની સામે ગીતકાર જાવેદ અખ્તરે દાખલ કરેલા ગુનાહિત બદનક્ષીના કેસમાં સોમવારે મુંબઈની કોર્ટમાં હાજર થઈ હતી. તેને જણાવ્યું હતું કે તેને આ મેજિસ્ટ્રેટ કોર્ટમાં વિશ્વાસ ગુમાવ્યો છે, કારણ કે કોર્ટે આડકતરી રીતે વોરંટ જારી કરવાની ધમકી આપી હતી.

કેસની સુનાવણીમાં બંને હાજર રહ્યા હતા. કંગના રનૌતે આ સમગ્ર વિવાદમાં જાવેદ અખ્તર વિરૂદ્ધ કાઉન્ટર અરજી દાખલ કરી હતી, જેમાં તેને જાવેદ અખ્તર પર બળજબરીથી વસૂલી, પ્રાઈવસી ભંગ સહિત અનેક આરોપો લગાવ્યા છે. કંગના રનૌતે પોતાની અન્ય એક અરજીમાં બંને કેસ અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી. કોર્ટ આ કેસની વધુ સુનાવણી 15 નવેમ્બરે કરશે. મુંબઈની અંધેરી કોર્ટમાં સોમવારે ભારે સુરક્ષા વચ્ચે કંગના હાજર રહેવા પહોંચી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા બંનેને આ કેસમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જાવેદ અખ્તર અગાઉ જ કોર્ટમાં હાજર થયા હતા.

2020ના વર્ષમાં કંગના રનૌતે એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેણે જાવેદ અખ્તરને લઈ અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. તેથી જાવેદ અખ્તરે કંગના રનૌત પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે અગાઉ પણ કંગનાને હાજર રહેવા કહેલું પરંતુ તે કોર્ટમાં હાજર નહોતી થઈ શકી. જોકે હવે કોર્ટના આકરા વલણ બાદ તે સોમવારે કોર્ટમાં રજૂ થઈ હતી અને કેસ ટ્રાન્સફર કરવા માગણી કરી હતી.