(Photo by Tom Nicholson - WPA Pool/Getty Images)

– બાર્ની ચૌધરી

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું છે કે કેન્સર માટે વહેલી તકે તપાસ અને પરીક્ષણ કરાવવું એ દરેકની વ્યક્તિગત લડાઈ છે.ગરવી ગુજરાત સાથે વાત કરતા, હેલ્થ સેક્રેટરી જાવિદે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેમના સ્વર્ગસ્થ પિતાનું કેન્સરની બીમારીનું ખૂબ જ મોડું નિદાન થયું હતું.

જાવિદે કહ્યું હતું કે “મારા પિતાનું મૃત્યુ ફેફસાના કેન્સરથી /થયું હતું અને પછી તે બધે ફેલાઈ ગયું હતું. દુર્ભાગ્યે, વંશીય લઘુમતી સમુદાયોના ઘણા લોકોની જેમ તેમનું નિદાન પણ ખૂબ મોડેથી કરવામાં આવ્યું હતું.”
જાવિદની વધુ લોકોની તપાસ કરાવવાની વિનંતી તેમના વિભાગની 10 વર્ષની કેન્સર યોજનાનો એક ભાગ છે. તેમને એવા પુરાવા જોઈએ છે જે વિવિધ વંશીય જૂથો વચ્ચેની અસમાનતા બતાવી શકે. આ માટેના રાષ્ટ્રીય ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ અલગ-અલગ અભ્યાસ હાથ ધરનારા વિદ્વાનો તારણ કાઢે છે કે કેટલાક કેન્સર અન્ય સમુદાયો કરતાં દક્ષિણ એશિયાના લોકોને વધુ અસર કરી શકે છે.

શ્રી જાવિદે જણાવ્યું હતું કે “સ્તન કેન્સર, ફેફસાના કેન્સર, કોલોરેક્ટલ કેન્સરથી પિડાતા લોકોમાં શ્યામ અને એશિયન લોકોનું પ્રમાણ ઘણું વધારે છે જેમનું અંતમાં નિદાન થાય છે. પ્રારંભિક તબક્કે તેને પકડાય તો કંઈક કરવાની ઘણી મોટી તક હોય છે. પરંતુ મારા પિતાની જેમ, જ્યારે તેમને ફેફસાના કેન્સરની જાણ કરાઇ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ઉદાહરણ તરીકે, યુ.કે.માં એશિયનોમાં ફેફસાના કેન્સરનું નિદાન 75 ટકા જેટલું અંતિમ તબક્કામાં થાય છે, જ્યારે શ્વેત લોકોમાં તે દર 66 ટકા છે. જરા વિચારો, જો લોકો વહેલા તપાસ કરાવે તો કેટલા વધુ જીવ બચાવી શકાય.”

જાવિદે કહ્યું હતું કે “તપાસ કરાવવામાં શરમ અનુભવવી જોઈએ નહીં, પછી ભલે તે ડૉક્ટર હોય કે કેન્સર સ્ક્રીનીંગ ક્લિનિક. તપાસ કરાવવી જ જોઇએ. જેથી તમને જરૂરી સારવાર મળે અને લાંબુ અને સ્વસ્થ જીવો. તે તમારા માટે જ નહીં, પણ તમારા પરિવાર માટે પણ જરૂરી છે. મુસ્લિમ મહિલાઓ કોઈ અન્ય જૂથ કરતાં સ્તનની તપાસ માટે આગળ આવે તેવી શક્યતા ઘણી ઓછી છે, અને તે યોગ્ય નથી. તેમણે તપાસ માટે આગળ આવવાની જરૂર છે. સ્તન કેન્સરને જો વહેલા શોધીય તો તેની સારવારમાં ખૂબ જ ઊંચી સફળતા મળે છે. પરંતુ દુર્ભાગ્યે, મુસ્લિમ મહિલાઓ પ્રારંભિક તપાસ માટે આવતી ન હોવાથી અપ્રમાણસર સંખ્યામાં તેઓ સ્તન કેન્સરથી મૃત્યુ પામે છે.”

હેલ્થ સેક્રેટરીએ ચેતવણી આપી હતી કે “મેદસ્વી, કાચી તમાકુ કે સોપારીવાળુ પાન ખાનાર, ધૂમ્રપાન કે આલ્કોહોલના વ્યસનીને કેન્સરનું જોખમ વધારે રહેલું છે. આથી આવા વ્યસનો છોડવા જોઇએ. એશિયન સમુદાયોમાં અમુક વર્તણૂકોને કારણે કેન્સરનું જોખમ અન્ય જૂથો કરતાં વધુ હતું. દક્ષિણ એશિયાના પુરુષોમાં આ દેશમાં મોંના કેન્સરનો દર સૌથી વધુ છે. આ આદતો તેમના માટે મોટા પાયે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. જો કે તેને અટકાવી શકાય છે. હું સમુદાયના નેતાઓને વહેલી તકે આ અંગે NHS અથવા સ્થાનિક GP સાથેની ઝુંબેશમાં ભાગ લઇ લોકોને તપાસ માટે આગળ આવવાનો સંદેશ ફેલાવવા વિનંતી કરૂ છું. હાલમાં ગર્ભાશય, સ્તન અને ફેફસાના કેન્સર માટે ઘણી બધી સ્ક્રીનીંગ ઉપલબ્ધ છે. તપાસ માટે હવે મોબાઈલ ટ્રકો પણ છે જે ઘણા વિસ્તારોમાં ફેફસાના કેન્સરની તપાસ કરે છે. તે તમારા આત્મવિશ્વાસમાં સુધારો કરે છે, કે તમને કોઈ સમસ્યા નથી, અથવા તમને કેન્સર છે અને તેની વહેલી જાણકારી મળી ગઇ છે, અને NHS તેની સારવાર કેવી રીતે કરવી તે જાણે છે.”

ગરવી ગુજરાતે અગાઉ પ્રકાશિત કર્યું છે કે કેવી રીતે કેટલીક સ્ત્રીઓ તેમના ડૉક્ટર પાસે જવા માટે શરમ અનુભવે છે. અને જ્યારે જાય છે ત્યારે તેમને બચાવવા માટે કંઈ કરી શકાતું નથી. ઓળખ નહિં આપનાર ‘મીના’એ ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’મારી બહેનને પ્રાઇવેટ એરિયામાં દુખાવો થતો હતો, પીરિયડ્સ નિયમિત ન હતા, જેને તેણે ઘણા વર્ષો ન ગણકાર્યું. તે શરમ અનુભવતી હતી અને માનતી હતી કે ડોક્ટર તેને ગંદી માનશે. દર્દ અસહ્ય હતું. જ્યારે તપાસ કરાઇ ત્યારે તેને સર્વાઇકલ કેન્સર હોવાનું અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ગયું હોવાનું જણાયું હતું. ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું, અને તે માત્ર 42 વર્ષની વયે મરણ પામી હતી.’’

સરકાર દરેક વ્યક્તિને લક્ષણો દેખાય કે તરત જ તેમના ફેમિલી ડોકટરો પાસે જવા વિનંતી કરી રહી છે (જુઓ બોક્સ) અને સમુદાયોને સંદેશ પહોંચાડવા માટે રેડિયો અને સોશિયલ મીડિયા પર પબ્લિક હેલ્થના સંદેશાઓનો ઉપયોગ કરી રહી છે.

બલબીરે, (સાચું નામ નથી) ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’હું બાઉલ કેન્સર માટે NHSની સ્ક્રીનીંગની ઓફર સ્વીકારીશ નહીં. તેમણે મને ત્રણ પત્રો મોકલી તપાસ માટે સેમ્પલ મોકલી કહ્યું. મારે તે કરવું પણ જોઇએ, પણ શા માટે તેઓ એપોઇન્ટમેન્ટ કરી જાતે તપાસ કરતા નથી? હું બીમાર છું કે કેમ તે જાણવા માંગતો નથી. હું ઇચ્છું છું કે ભગવાન મને લઈ જાય.’’

સરકારની 10-વર્ષીય યોજના માટેની પરામર્શ કવાયત શુક્રવાર (1 એપ્રિલ) ના રોજ સમાપ્ત થાય છે.
કેન્સર સંશોધન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અન્ય જૂથોની સરખામણીમાં એશિયનોને લીવર કેન્સર થવાની શક્યતા વધુ છે. સાઉથ એશિયાના લોકોમાં ધૂમ્રપાન અને સ્થૂળતા વધી રહી હોવાથી મુખ્યત્વે શ્વેત લોકોમાં જોવા મળતા કેન્સરના જોખમો વધી શકે છે.

કેન્સરની ચેતવણી આપતા લક્ષણો

NHS ઇચ્છે છે કે જો નીચેનામાંથી કોઈપણ લક્ષણોનો અનુભવ થાય તો લોકોએ તેમના ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો:

• પેટની તકલીફ, ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમય માટે અગવડતા અથવા ઝાડા થવા.
• પેશાબમાં લોહી – માત્ર એક વાર થાય તો પણ.
• અનપેક્ષિત અથવા ન સમજાય તેવા રક્તસ્ત્રાવ
• ન સમજાય તેવી પીડા, જે ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમય ચાલે
• ન સમજાય તેવી ગાંઠ
• ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલતી ઉધરસ (જે કોવિડ-19 નથી).
અન્ય ચિહ્નોમાં શામેલ છે:
• ન સમજાય તેવો વજનમાં ઘટાડો;
• થાક અને અસ્વસ્થતા લાગે અને તેના કારણની ખબર ન પડે
• હાર્ટબર્ન અથવા અપચો
• અસામાન્ય, નિસ્તેજ અથવા ચીકણું મળ.