(Photo by STR/AFP via Getty Images)

જાણીતા ફિલ્મકાર કરણ જોહરની નવી ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સાથે બોલીવૂડનાં પીઢ અભિનેત્રી જયા બચ્ચન પણ જોવા મળશે. આ નવી ફિલ્મ-રોકી ઔર રાનીની કી પ્રેમ કહાનીની રસપ્રદ બાબત એ છે કે, જયા બચ્ચન આ ફિલ્મમાં કોમેડી કરતા જોવા મળશે અને તેઓ ફિલ્મમાં રણવીરની દાદીની ભૂમિકા ભજવશે.

પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, જયાજી આ ફિલ્મમાં એક હલવાઇના રોલમાં જોવા મળવાના છે. તેમને ખડખડાટ ખુલ્લા દિલે હસવાનું બહુ ગમે છે. અત્યાર સુધીમાં તેમની આ એક મજેદાર અને હળવી ભૂમિકા છે. કરણ જોહરે આ રોલ માટે તેમને પસંદ કર્યા તે માટે પણ તેઓ બહુ ખુશ છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં કરવામાં આવી રહ્યું છે. ત્યાંના સૂત્રે જણાવ્યું હતું કે, જયાજી સેટ પર બહુ હળવા મૂડમાં જોવા મળે છે. સેટ પર તેઓ મજાક કરતાં કહે છે કે, જોની લીવરની તારીખો ન મળી હોવાથી કરણ જોહરે મને આ રોલ માટે સાઇન કરી લીધી છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું દિગ્દર્શન કરણ જોહર કરી રહ્યો છે. આ ફિલ્મમાં શબાના આઝમી અને ધર્મેન્દ્ર જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મને 2023માં પ્રદર્શિત કરવાની યોજના છે.