(Photo by CHRISTOPHER FURLONG/POOL/AFP via Getty Images)

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન શાંતિ અને સમૃદ્ધિ માટે બે દેશોની ભાગીદારીને આગળ વધારવા માટે આ સપ્તાહે 21 અને 22મી એપ્રિલે ભારતની મુલાકાત લેનાર છે. તેઓ પહેલા ગુજરાત જશે અને પછી નવી દિલ્હીની મુલાકાત લેશે. યુકેના ઇન્ડો-પેસિફિક ઝુકાવના ભાગરૂપે યોજાયેલી આ મુલાકાતથી યુકેના બિઝનેસીસ, નોકરીઓ અને વૃદ્ધિને ટેકો આપતા, મોટા નવા રોકાણ સોદાઓ સુરક્ષિત થાય તેવી અપેક્ષા છે. ભારતના વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં વહેંચાયેલ વૈશ્વિક પડકારોનો સામનો કરવા આર્થિક, સંરક્ષણ, સુરક્ષા અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બોરિસ જોન્સન ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે.

ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા જણાવાયું હતું કે ‘’વૈશ્વિક આર્થિક પડકારો અને નિરંકુશ રાજ્યોના જોખમોનો સામનો કરવા માટે, સાથી અગ્રણી લોકશાહી દેશ સાથે શાંતિ અને સમૃદ્ધિ માટે અમારી લાંબા ગાળાની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા વડા પ્રધાન આ અઠવાડિયે ભારતની મુલાકાત લેનાર છે.’’

આ મુલાકાતના ભાગરૂપે જૉન્સન ગુરુવારે 21મી એપ્રિલ અમદાવાદમાં અગ્રણી ઉદ્યોગપતિઓને મળીને યુકે અને ભારતના સમૃદ્ધ વાણિજ્ય, વેપાર અને લોકોના સંબંધો અંગે ચર્ચા કરશે. ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય અને યુકેમાં વસતા  બ્રિટિશ-ભારતીયો ડાયાસ્પોરામાં લગભગ અડધી સંખ્યા ધરાવતા ગુજરાતીઓના ઘર એવા ગુજરાતની મુલાકાતે આવનાર બોરિસ જૉન્સન પ્રથમ વડા પ્રધાન બનશે. બોરિસ જૉન્સન વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ અગાઉની તેમની બે મુલાકાતો કોવિડ રોગચાળાના કારણે રદ કરાઇ હતી.

ત્યારબાદ વડા પ્રધાન જૉન્સન શુક્રવારે 22 એપ્રિલે વડા પ્રધાન મોદીને મળવા નવી દિલ્હી જશે. જ્યાં બન્ને નેતાઓ યુકે અને ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે, જેનો ઉદ્દેશ્ય બન્ને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીને મજબૂત બનાવવાનો અને ઈન્ડો-પેસિફિક દેશોમાં સુરક્ષા સહકારને આગળ વધારવાનો છે.

ગુજરાતમાં, વડાપ્રધાન જૉન્સન યુકે અને ભારતના મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેથી યુકેમાં ઘરઆંગણે નોકરીઓ અને વિકાસને વેગ મળશે, તેમજ અત્યાધુનિક વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનોલોજી પર નવા સહયોગની જાહેરાત કરવામાં આવશે.

વડા પ્રધાન જૉન્સન આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટોમાં પ્રગતિને આગળ ધપાવવા માટે આ મુલાકાતનો ઉપયોગ કરશે. ભારત સાથેના કરારોથી વર્ષ 2035 સુધીમાં યુકેના કુલ વેપારને વાર્ષિક £28 બિલિયન સુધી વધારવાની અને સમગ્ર યુકેમાં આવકમાં £3 બિલિયન સુધીનો વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે.

મુલાકાત અંગે વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે ‘’જ્યારે આપણે નિરંકુશ દેશો તરફથી આપણી શાંતિ અને સમૃદ્ધિ માટેના જોખમોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે લોકશાહી ધરાવતા મિત્રો અને દેશો એક સાથે રહે તે મહત્વપૂર્ણ છે. ભારત, એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, આ અનિશ્ચિત સમયમાં યુકે માટે અત્યંત મૂલ્યવાન વ્યૂહાત્મક ભાગીદાર છે.’’

‘’મારી ભારતની મુલાકાત આપણા બંને રાષ્ટ્રોના લોકોને ખરેખર મહત્વના છે તેવા – રોજગાર સર્જન અને આર્થિક વૃદ્ધિથી લઈને ઊર્જા સુરક્ષા અને સંરક્ષણ સુધીની બાબતોને અમલમાં લાવશે.’’

ગયા વર્ષે, વડા પ્રધાન જૉન્સન અને વડા પ્રધાન મોદીએ યુકે-ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે સંમત થયા હતા, જેમાં યુકેમાં £530 મિલીયન કરતાં વધુના રોકાણની જાહેરાત કરી હતી અને વેપાર, આરોગ્ય, આબોહવા, સંરક્ષણ અને સુરક્ષામાં ગાઢ દ્વિપક્ષીય સંબંધો માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને યુકેના લોકો સાથેના સંબંધોને જોડ્યા હતા.

2021ની ઈન્ટિગ્રેટેડ રિવ્યૂમાં ભારતને યુકે માટેના પ્રાથમિકતાના સંબંધ તરીકે ઓળખવામાં આવ્યું હતું અને યુકે દ્વારા કાર્બિસ ખાડીમાં ગયા વર્ષની G7 સમીટમાં અતિથિ તરીકે ભારતને આમંત્રિત કરવામાં આવ્યું હતું.

યુકે ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા સાથે બ્રેક્ઝિટ પછીની વેપારની તકોનો લાભ ઉઠાવી રહ્યું છે જેથી ગ્રાહકો માટે કી કોમોડિટીઝમાં ભાવ ઘટે, ગ્રીન ટેક અને સેવાઓ જેવા ક્ષેત્રોમાં યુકેના બિઝનેસીસ માટે તકો ઉભી થાય અને ઉચ્ચ વેતન તથા ઉચ્ચ કૌશલ્યની નોકરીઓનું સર્જન થાય.

ભારતીય કંપનીઓ દ્વારા યુકેમાં કરાયેલા રોકાણના કારણે સમગ્ર યુકેમાં પહેલાથી જ 95,000 નોકરીઓનું સર્જન કરાયું છે. જેમાં આ મુલાકાત દરમિયાન થનારી જાહેરાતો અને ભાવિ ફ્રી ટ્રેડ ઓગ્રીમેન્ટ દ્વારા વેગ મળવાની અપેક્ષા છે.

બ્રિટિશ હાઇકમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં જૉન્સન મુખ્ય બિઝનેસ ગ્રુપ સાથે બેઠક કરશે અને યુકે અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધો અને લોકો વચ્ચેના સંબંધો પર ખાસ ચર્ચા કરશે.

ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોરિસ જૉન્સન સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ યૂક્રેનની પરિસ્થિતિ પર વિસ્તારથી ચર્ચાઓ કરી હતી. ટેલીફોન પર થયેલી આ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરી.

2030 રોડમેપ, બંને નેતાઓ વચ્ચે મે 2021માં સંમત થયેલ એક વ્યાપક દસ્તાવેજ છે જે વાટાઘાટોને માર્ગદર્શન આપશે. દિલ્હી યુકેને હેલ્થ કેર, લાઇફ સાયન્સ, ટેક્નોલોજી, ગ્રીન ગ્રોથ અને ટકાઉ ધિરાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કુદરતી ભાગીદાર તરીકે જુએ છે અને યુકેને ઇયુ છોડ્યા પછી વધુ ઝડપી કાર્ય કરવા સક્ષમ માને છે. બ્રેક્ઝિટ પછી યુકે ભારત સાથેના જોડાણને પ્રાથમિકતા આપી રહ્યું છે અને તેને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. મોદી અને જૉન્સન છેલ્લીવાર COP 26માં મળ્યા હતા પરંતુ આ મુલાકાત યુકે તરફથી લાંબા સમયથી રાહ જોવાતી વડા પ્રધાન સ્તરની મુલાકાત છે.

  • બ્રિટન ભારત સાથેનો વાર્ષિક વેપારને 89 લાખ કરોડ રૂપિયા સુધી લઇ જવા ઇચ્છુક
  • 2021માં જૉન્સને પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. જેમાં 2030 સુધીનો વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો.
  • ભારત બ્રિટનમાં 5,300 કરોડ રૂપિયાના રોકાણ સમજૂતી પર સહમતિ સાધી ચૂક્યું છે.
  • યુરોપીય સંઘથી જોડાણ તોડ્યા બાદ બ્રિટન ભારત સાથેના વેપાર દ્વારા યુકેમાં મોંઘવારી ઓછી કરવા માટે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ક્ષેત્રે સહયોગ કરવા આશાસ્પદ છે.
  • ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓના અવસરોનું સર્જન કરવા બંને દેશો આતુર.
  • બ્રિટન સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્વનો એજન્ડા.
  • જૉન્સન વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં મળશે.
  • જૉન્સન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ભારતની રશિયન ઓઇલની ખરીદી, યુક્રેનમાં યુદ્ધ અને યુએનમાં ભારતની તાજેતરની મતદાન પદ્ધતિ જેવા મુદ્દાઓ ઉઠાવે તેવી અપેક્ષા છે.
  • મુલાકાતની સફળતા FTA પ્રગતિ અને સંરક્ષણ સોદો હશે તેમ મનાય છે.
  • જૉન્સનની સાથે બિઝનેસ ડેલિગેશન જાય તેવી હજુ સુધી કોઈ યોજના નથી.
  • ભલે ભારતમાં તેનો કોઈ કાનૂની દરજ્જો ન હોય પરંતુ ભારત બ્રિટનમાં પંજાબ રેફરન્ડમ 2020ને તેની ધરતી પર યોજવાની મંજૂરી આપતા ખાલિસ્તાની સક્રિયતાનો મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે.
  • નીરવ મોદી અને વિજય માલ્યા જેવા હાઈ-પ્રોફાઈલ ભાગેડુઓના પ્રત્યાર્પણ ગે પણ અવાજ ઉઠાવશે.
  • વડા પ્રધાનોની બેઠકમાં અફઘાનિસ્તાન જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
  • ભારત ટેક્નોલોજી ટ્રાન્સફર અને “મેક ઇન ઇન્ડિયા” પ્રોગ્રામ અંતર્ગત સંરક્ષણ સાધનો બનાવવા ચર્ચા કરશે.
  • યુકેએ માર્ચ 2021માં ઈન્ડો-પેસિફિક ઝુકાવની જાહેરાત કર્યા બાદ યુકે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની આ પ્રદેશની મુલાકાતથી બંને રાષ્ટ્રો વચ્ચેના સંરક્ષણ સંબંધો વધી રહ્યા છે, જેના કારણે ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના સાથે સંયુક્ત કવાયત થઈ હતી.
  • ભારત જૂના સાથી રશિયાથી મોં ફેરવ્યા વિના યુકેના સંરક્ષણ ઓર્ડરમાં વધારો કરી શકશે.
  • સૂચિત યુકે-ઈન્ડિયા એફટીએના 26 ચેપ્ટર્સ પૈકી ચાર માટે પહેલાથી બન્ને દેશો સહમત થયા છે. બાકીના 22 માટે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
  • વર્ષના અંત સુધીમાં એફટીએને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે.
  • ભારત પોતાના નાગરિકો માટે સરળ વિઝા ઍક્સેસ માંગે છે. તો યુકે ગેરકાયદેસર વસાહતીઓને પરત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગે છે.
  • ગયા મહિને યુકેના ફોરેન મિનિસ્ટર લિઝ ટ્રસે પણ ભારતની મુલાકાત કરી હતી.
  • જૉન્સનની મુલાકાત વિશેના આગોતરા સરકારી બ્રીફિંગમાં યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
  • ગયા મહિને, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે રશિયા સામે વધુ મજબૂત પ્રતિબંધો લાદવા અને વેપાર, સંરક્ષણ, ઊર્જા અને ખાદ્ય સુરક્ષા પર વધુ નજીકથી સહકાર આપવાના પ્રયાસરૂપે ભારતની મુલાકાત લીધી હતી.