આ વર્ષે બ્રિટનના વડાપ્રધાન એક પછી બીજી કટોકટીનો સતત સામનો કરી રહી રહ્યાં છે. જોન્સને બુધવારે હાઉસ ઓફ કોમનમાં વિરોધી સૂરનો સામનો કરવો પડશે. અગાઉ ભારતીય મૂળના નાણાપ્રધાન ઋષિ સુનક અને આરોગ્યપ્રધાન સાજીદ જાવીદે તેમના હોદ્દાથી રાજીનામુ આપી દેતાં જોન્સન સરકાર સામે કટોકટી ઊભી થઈ હતી. આ બંને નેતાઓએ વડાપ્રધાન બોરિસ જોન્સનની લીડસરશીપનો હવાલો આપીને રાજીનામુ આપ્યું હતું.

અગાઉ જોન્સને પોતાના એક પ્રધાન પર જાતિય અત્યાચારથી જોડાયેલી ફરિયાદના કેસમાં માફી માગવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ બંને પ્રધાનના પગલાથી અગાઉથી સંકટમાં ઘેરાયેલા જોન્સનની મુશ્કેલીઓ વધી ગઈ છે. સાજીદ જાવીદે કહ્યું કે, અનેક કૌભાંડોની ક્ષેણી પછી રાષ્ટ્રના હિતમાં શાસન કરવાની જોન્સનની ક્ષમતામાં તેમણે વિશ્વાસ ગુમાવી દીધો છે. તેમણે ઉમેર્યુ કે, હવે તેઓ સારા વિવેકથી કામ કરી શકતા નથી. કેટલાક સાંસદો અને લોકોએ જોન્સનની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવી દીધો છે. બીજી બાજુ બોરિસ જોન્સને કબૂલ્યું છે કે, સરકારની મહત્વના હોદ્દા પર ખરડાયેલી છબી ધરાવતા સાંસદની નિમણૂંક કરવી એ ખોટું પગલું છે.

વડાપ્રધાન જોન્સનને મોકલેલા રાજીનામા પત્રમાં સુનાકે બ્રિટન સામે રહેલા અનેક પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશના અર્થતંત્ર અંગેના સૂચિત સંયુક્ત ભાષણની તૈયારી દરમિયાન મને એ બાબતની સ્પષ્ટ ખાતરી થઈ હતી કે અમારા અભિગમ સંપૂર્ણ અલગ છે. આરોગ્ય પ્રધાન દ્વારા રાષ્ટ્ર હિતમાં સરકાર ચલાવવાની જોન્સનની ક્ષમતા અંગે શંકા વ્યક્ત કરી રાજીનામું આપ્યાની ગણતરીની મિનિટોમાં જ સુનાકે પણ નાણાંપ્રધાન પદેથી રાજીનામું ધરી દેતાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની સરકાર સામે અભૂતપૂર્વ સંકટ ઉભું થયું છે. આ નવેસરની ગતિવિધિથી કન્ઝર્વેટિવ પાર્ટી સરકાર માટે રાજકીય કટોકટી વધુ ઘેરી બની છે.

ટોરી પાર્ટીએ તેના નેતા તરીકે જોન્સને દૂર કરવા અગાઉ એકવાર પ્રયાસ કર્યો હતો અને ગયા મહિને અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી. જોકે તેમાં જોન્સન બચી ગયા હતા. પરંતુ તેનાથી પાર્ટીમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો. હવે બે હાઇપ્રોફાઇલ કેબિનેટ સાથીઓના રાજીનામાથી સપોર્ટ સિસ્ટમ તૂટી પડી છે અને ઘણા માને છે કે જોન્સન હવે થોડા દિવસોના મહેમાન છે.